૨૧૨ : તુલસી-ક્યારો
જવાનું મન નહોતું. દેવુના ઓપરેશનનું પરિણામ જોઇને જવું હતું. એવામાં ઓપરેશન-થીએટરનાં બંધ બારણાંની અંદર એક ધડાકો થયો. ધબાંગ દેતું કંઈક પડ્યું, વાઢકાપના હથિયારોનો મોટો ઢગલો જાણે નીચે વેરાયો હોય તેવા ખણખણાટો થયા. ને ઓપરેશન કરતા સર્જનની દબાયેલી, હળવી, છતાં ભયંકર લાગે તેવી ચીસ સંભળાઈ :
'ઓ માય ગૉડ ! યુ બ્રુટ ! જલદી નવું પાણી મૂકો, જલદી હથિયારો ફરી ઉકાળો, ક્લોરોફોર્મ ઊતરી જાય છે, કેઇસ માર્યો જશે.'
'એ શું થયું !' ડોસા ચમક્યા "'દેવુને કાંઇ થયું ! હેં ? તમે કાંઇ સમજ્યાં ? હેં મારા દેવુને-'
તેનો જવાબ કંચન કંઇ આપવા જાય ત્યાં તો દરવાજા બહારથી એણે અંદર આવતી એક મોટર દીઠી. દીઠા ભેળી જ, ગોવાળ જેમ ગાયને ઓળખે તેમ એણે મોટરને ઓળખી. હાંકી આવતા વીરસુતને પણ દીઠો.
સમસામા ઊભા રહેવાની છાતી છે ? કલેજું તૈયાર છે ? કાંઈક બોલાચાલી, કોઈ અપમાનજનક શબ્દોની ટપાટપી, કોઈ બેઅદબી, મજાક, અથવા છેવટે મૂંગું મૂંગું પણ પ્રત્યક્ષ થવું, એ સહી શકાશે ? ધિ:કાર છૂટશે કે સ્નેહ !
એક જ ઘડી -અને કંચનનાં વિચારચક્રોએ આવા પચીશ-પચાસ આંટા લઇ લીધા. એનાં લમણાં ધડાક ધડાક થયાં, હમણાં જાણે ચામડી ચિરાશે ને આવેશોના અંગારા વેરાશે.
કંચન બાજુની પરશાળ તરફ સરકી ગઈ. એકદમ ઊપડતે પગલે.
મોટરમાંથી વીરસુત ઊતર્યો ત્યારે પિતા ત્યાં એકલાજ ઊભા હતા. આવીને એણે પૂછ્યું :