ઉષ્માવંત છે ? એ સ્નેહ, એ મુખમલકાટ, એ હૈયા-હૂંફ, એ લાલન-વાણી, અને એ મીઠા ઠપકા -
ભાભીના ભાવમાં ભીંજાતો એ કંચનની સ્મૃતિને દૂર કરીને પાછો આવ્યો ત્યારે ઓપરેશન-રૂમનું દ્વાર ઊઘડ્યું હતું, ડોક્ટર રૂમાલ વતી મોં લૂછતા બહાર નીકળ્યા હતા. તેમણે વીરસુતને જોતાં જ કહ્યું -
'હલ્લો ! તમારો પુત્ર છે ને ? આભાર પ્રભુનો : મારા હાથ પર આજે મનુષ્યવધની કાળી ટીલી ચડી જાત.'
'શું થયેલું ?'
'બરાબર છેલ્લી પળે જ ઓજારોનું તપેલું પડી ગયું, ને ક્લોરોફોર્મ ઊતરી જતું હતું. હવે લહેર કરો. છોકરાની જિંદગીની હું સોએ સો ટકા ગેરન્ટી આપું છું.'
'આભાર તમારો ડોક્ટર !'
'તમને બીજી બાબતનાં પણ અભિનંદન આપવાનું આજે અનાયાસે શક્ય બને છે. આપણે ક્લબમાં તો મહિનાઓ થયાં મળેલા નહિ એટલે ખબર નહોતી.'
'શાની ?' ભદ્રામાં આત્મતૃપ્ત બનેલો વીરસુત ક્લબોમાં નહોતો જતો એ વાત ખરી હતી.
'તમારી ટ્રેજેડીના સુખદ 'ટર્નની.'
'હું તો કશું જાણતો જ નથી ડૉક્ટર ! આપ શું કહો છો ?'
'અરે વાહ ! મેં દીઠાં - કંચન બહેન જ આને ગાડીમાં લઇને આવ્યાં છે; ક્યાં ગયાં ?' ડૉક્ટર ચોમેર જોવા લાગ્યા.
'તમારી શરતચૂક થતી હશે ડોક્ટર ! કંઈ નહિ એ તો. તમારી લાગણી માટે આભાર.'