૨૧૬ : તુલસી-ક્યારો
'પણ તો પછી તમને ટેલીફોન કોણે કર્યો ?'
'ઘેરથી કહ્યું કે ફોન પર કોઈક ઇસ્પીતાલનું માણસ હતું.'
પિતા તો આ વાતો વખતે અંદર જઇ ઝોળીમાં મુકાતા દેવુના દેહને પડખે ઊભા હતા. એનો પ્રાણ હજુ પ્રાર્થનામય હતો. એને બીજું કશું ભાન કે જ્ઞાન નહોતું. પણ પેલી સ્ત્રી ચાલી ગઇ તેને તો એની આંખો શોધતી હતી. એ રહી હોત તો અત્યારે નિશ્ચિંત મને જઈ શકતને બાપડી ! કોઈ ભલી બાઇ હતી. હું પણ બુઢ્ઢો કેવો નાદાન ! એનું નામ ઠામ પણ પૂછ્યું નહિ.
'હેં બાપુ,' વીરસુતે દેવુના બિછાના વાળી ઓરડીમાં ગયા પછી પૂછ્યું : 'કોણ આવ્યું હતું દેવુને લઈને ? તમે આવ્યા ત્યારે કોઈ હતું ખરૂં ?'
'એક બાઈ હતાં. એની જ ગાડી સાથે દેવુની સાઈકલ અથડાણી હતી. પણ હું એને ઓળખતો નથી. કોઈ અજાણી અને શરમાળ બાઈ લાગી. મોં સહેજ દેખાયું તે પરથી......કાંઇ નહિ ! એ તો જીવ જ અભાગી છે......ભળતી કલ્પનાઓ જ કર્યા કરે છે. હશે બાપડા કોઈ સુખી ઘરની પૂત્રવધૂ.'
'પુત્રવધૂ' શબ્દ વીરસુતને ડંખ્યો. એ દેવુ તરફ જોઈ ગયો. ને વૃદ્ધ પિતાનું મન પેલી ચાલી ગયેલી સ્ત્રીની અધૂરી નિહાળેલી મૂર્તિ પાછળ વધુ ને વધુ આંટા મારવા લાગ્યું.