પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભૂતકાળ : ૨૧૯


મારામાં ઠસાઇ ગયું છે. ભય-કેવળ ભય જ એ અઢાર વર્ષના યુવાન ઉપર જીવનભર ન ભુલાય તેવી મૂઠ નાખી ગયો. ભાસ્કર હેબતાઇ જ ગયો. હેબતે એને વધુ વધુ ધ્રૂજાવ્યો. એની નસેનસમાં રામ ઓલવાતા ચાલ્યા. એવી મનોવસ્થામાં એણે લગ્નની ના પાડી દીધી ને પોતે ગામડું છોડી દીધું.

બાવીશ વર્ષની ઉમ્મરે એણે તારાને શોધી : તારા કોને ત્યાં પરણી ગયેલી છે ? પત્તો મેળવ્યો. છાનામાના એનાં સાસરિયાંને ગામ જઇ તારાને જોવાની તક લીધી ને તળાવની પાળે આભો બન્યો. તારા અલમસ્ત હતી. ચાર વર્ષોના લગ્ન-સંસારે તારાના દેહ ઉપર તો લાવ્યણ્યનાં એલીભરપૂર ચાર ચોમાસાં વરસાવી દીધાં હતાં. તળાવને આરે અસ્તવ્યસ્ત વસ્ત્રે લૂગડાં ચોળતી તારા, ધોઈ કરીને ધૂબકા મારી મારી નહાતી તારા, નહાઈ કરીને નવે વસ્ત્રે આરા પર પગ માંડીને ઠીકરા વડે મેલ ઉખેડતી તારા, આરા પરની દેરીએ દીવો કરી પગે લાગતી તારા, ને પછી પોતાની સામેના જ રસ્તા પર ગામ-ભણી જતી તારા અત્યારે પોતાની હોત ! હાય હાય ! આજે એ તારા પારકી છે.

એને માર્ગને કાંઠે ઊભેલો તારાએ દેખ્યો હતો. દેખતાં જ એ હેબત ખાઈ ગઈ, ગભરાઈ, ઉતાવળે પગલે ચાલી ગઈ હતી.

એ શા માટે બીની ? હું એને સતાવવા ક્યાં આવ્યો હતો ? મારે તો એને ધરાઈ ધરાઈને, નયનો ઠારીને નિહાળી લેવી હતી; મારે એને એને એટલું જ બસ પૂછવું હતું કે 'કેમ સુખી તો છે ને !' મારે એની પાસેથી જાણવું હતું કે 'મને ઓળખે તો છે ને ?'

છતાં શા માટે એ બીને ભાગી ? મેં એના સુખ ખાતર આબરૂ ગુમાવી તેની કોઈ ભીનાશ એના અંતરમાં નહિ હોય ?