પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૧૮ : તુલસી-ક્યારો


'તમારી પુત્રી તારાનો ભવ બગાડવા હું નથી માગતો, હું પુરુષાતનહીન છું.'

તે પછી એકાએક બાવીશમા વર્ષે એને ભાન થયું હતું કે પોતે પૂર્ણ પુરુષત્વમાં છે. એ ભાન અતિ મોડું હતું. તારા બીજે પરણી ગઇ હતી. ને પોતાની પુરુષાતનહીનતા જ્ઞાતિમાં તેમ જ સમાજમાં છતી થઈ ચૂકી હતી. પોતે સાબાશી પણ પામેલો કે એક બાળાના સંસારનું નિકંદન ન નીકળી જાય તે માટે થઇને આ ભાસ્કરે તો કોઇ ન કરે તેવું કરી દેખાડ્યું. પોતાની નાલેશી પોતે જ પ્રકટ કરી નાખી તેનું દુઃખદ ભાન ભાસ્કરને બાવીસમા વર્ષથી થયું.

પુરુષાતન હતું અને ચાલ્યું ગયેલું ! કે ચાલી ગયેલું તે પાછું વળ્યું હતું ! કે શું કોઇ માનસિક ક્ષોભના માર્યા એણે પોતાને વિષે આવું માની લીધેલું ! એ ખબર એને પોતાને નહોતી પડી. તારા બાર વર્ષની થઇ ત્યારથી જ સીંગાપૂર એનાં માતાપિતા સાથે ચાલી ગઈ હતી. ભાસ્કર ત્યારે પંદર વર્ષનો હતો. નાનકડીને નબળા દેહવાળી તારાને પોતે જોઇ હતી. નજીકપણું પણ અનુભવ્યું હતું, ને ત્યારથી જ એની તારા પ્રતિની વૃત્તિ વિરામ પામી હતી. પછી તો તારા ત્રણ વર્ષ પછી લગ્ન માટે દેશમાં ઊતરી ત્યારે તેનો દેહ કોણ જાણે ક્યાંથી છલોછલ જોબન-છાબ લઈ આવ્યો હતો ! તારાને જોઈને કોઈ પણ અચ્છો કવિ મસ્ત વાણીપ્રયોગોની ખુમારી અનુભવત, કહેત કે આ તે શું જોબન ટપકી રહ્યું છે? કે શું રૂપ નીતરી રહ્યું છે ? કે શું હમણાં જ કોઇનો ઊનો હાથ અડકતાં ઓગળીને રેલો બની જાય એવી આ કોઇ મીણની પૂતળી છે?

આવો કોઇ ભાવ અઢાર વર્ષના ભાસ્કરે અનુભવ્યો નહોતો. એને તો તારાને જોતાં વેંત જ બીક લાગી હતી, ફાળ પડી હતી, કે આનો ઉષ્માવંતો સ્પર્શ જેને ન સળસળાવી શકે એવું કંઈક થીજેલું તત્ત્વ