પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભૂતકાળ : ૨૨૧


પછી ભદ્રાને જોવાનું એને દિલ થયું હતું. એ ગામડિયણ, મૂંડેલા માથાળી, ભીરૂ અને ભડકણ વિધવાને પોતે ચાર પાંચ વાર જોઇ તો હતી, પણ ચહેરો બરાબર યાદ નહોતો રહ્યો. ચહેરાની રેખાઓ યાદ કરવા એનું મગજ શા માટે મથ્યા કરતું હતું તે તો એના પોતાના મનથી જ એક કોયડો હતો. મૂંડાવાળી રૂઢિચુસ્ત ગ્રામ્ય રાંડીરાંડના મોંમાં કોઇ ખાસ આકર્ષણ હોઇ શકે નહિ. સળગી ગયેલા ઝાડના ઠૂંઠાને કશું વ્યક્તિત્વ હોઇ શકે નહિ. કંચન જેવી સુંદર અને ભણેલી યુવતીનું સ્થાન એક યુવાન વિદ્વાનના ઘરમાં આવી રંડવાળ્ય કઇ રીતે રોકી બેસે ? ને વીરસુતની મુખમુદ્રા પર આવા પ્રફુલ્લિત રંગો એક રસહીન શુષ્ક વિધવા કઇ રીતે પૂરી શકી હોય ?

વીરસુતને પોતે મળ્યો નહોતો, પણ જોયો હતો બે ત્રણ વાર. એ જાણે જૂનો વીરસુત જ નહિ ! મોં ઉપર પ્રસન્ન સ્વાસ્થ્યના પૂંજેપૂંજ ! કેમ કરીને, કયા જાદુઇ સ્પર્શથી વીરસુત આટલો બધો ઠેકાણે પડી ગયો ? ચાલ જીવ, જઈને જોઉં તો ખરો ? જોઇ કરીને રાજી થઇશ. ગમે તેમ તોય વીરસૂત મારો મિત્ર, મારા શિષ્ય સમો, મારો આશ્રિત; મેં જ એને સ્કોલરશિપો અપાવી હતી ને મેં જ એને લગ્ન કરાવી આપ્યું હતું. એનું સુખ નિહાળીને નયનો ઠારવાનો તો મારો ધર્મ છે ને !

ભાસ્કર ત્યાં ગયો તે એ જ સાંજ હતી, જે સાંજે દેવુ ઇસ્પિતાલે પડ્યો હતો. પુરુષો ઘેર નહોતા. મકાનની બહાર બારણા પાસે પાણીનાં ને ચણનાં કૂંડાં લટકાવેલાં હતાં. તે પર બેઠાં બેઠાં એક સૂડો ને બે કાબર સામસામાં માથાં ઉછાળતાં, પાણીમાં ચાંચ બોળતાં, ને પરસ્પર કોણ જાણે કેવાં ય મેણાંટોણાં મારતાં કૂંડાંને ઝુલાવી રહ્યાં હતાં