પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સિદ્ધાંતને બેવફા : ૨૩૫


જ્યાં ઊભી હતી ત્યાં જડાઇ ગઇ હતી. પલંગના સળીઆ છોડવાનું કામ સહેલું નહોતું, સળીઆમાં જાણે કોઇએ વીજળીનો પ્રવાહ વહેતો મૂક્યો હોય.

કંચનના મોં પર બાધોલામંડલ ચિતરાયું હતું. એ મોં પર પ્રેમ નહોતો, લાગણી નહોતી, મમતા કે બીક નહોતી, મૂંઝવણ કે મનોવેદના નહોતી, રોષ કે વિષાદ નહોતો; હતું ફક્ત લાગણીહીન દશાનું બાઘોલામંડળ. બાઘોલી દશાનો બોજો અસહ્ય હોય છે.

'કોણ એ !' વીરસુતના પિતા બોલી ઊઠ્યા, 'કાલે આવેલાં તે જ બેન લાગ્યાં. મારી આંખે ઝાંખપ ખરી ના, એટલે ઓળખાણ ઝટ પડે નહિ !'

વૃદ્ધનો આ ફક્ત એક પ્રયત્ન જ હતો, એ ઓરડામાં મચી ગયેલી વિચિત્ર મૂંઝવણમાં કશોક માર્ગ કાઢવાનો. એને વહેમ પડી ગયો હતો-દેવુએ 'બા' એવો ઉચ્ચાર કર્યો તે સાથે જ. એ સંશય પાકો બન્યો હતો-ભદ્રા વહુએ કંચનને ઘૂંઘટની આડશ આડેથી મમતાભર્યું 'આંહીં આવોને' કહ્યું ત્યારનો જ.

પણ અકથ્ય અવસ્થા તો વીરસુતની હતી. એનાથી તો કંચન થોડી જ અણઓળખાઇ હતી ! એના મોંમાંથી તો થોડો જ કોઇ સ્વાગત -શબ્દ નીકળી શકે તેમ હતો ! એને થોડી જ ખબર હતી કે કંચનના અંતરમાં કઈ લાગણી ઘોળાવા લાગી છે ! ને એને ક્યાં ખબર હતી કે દેવુને થયેલા અકસ્માતનું નિમિત્ત પણ કંચન હતી ને દેવુને બચાવી લાવનાર પણ કંચન હતી !

કંચનું મોં ફક્ત એક જ પળ ઝબકી ગયા પછી અત્યારે તો એની સમક્ષ દેખાતી હતી કંચનની પીઠ.