પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૩૬ : તુલસી-ક્યારો


કાલે દૂરથી દીઠી હતી તે જ એ પીઠ ! ક્ષીણ થઈ ગયેલી : ત્રેસર ગૂંથ્યા છૂટા ચોટલાને બદલે અંબોડો વાળેલો કેશકલાપ : અંબોડામાં પણ ફૂલ કે ફૂલવેણી નહોતાં. ઝીણી સાડીની આરપાર એ બધું જોઈ શકાતું હતું.

એ શું દુઃખી હતી ? શણગાર શું રોળાયા હતા ? ફૂલો શું કરમાયાં હતાં ? કેમ આવી હતી ? ફરી વાર પાછો નવો વર્તમાન શરુ કરવા ? ભૂતકાળ પર પરદો નાંખી દેવા ? કે કોઇ ભૂલથી ? કોઈ ભ્રમણાથી ? કોઈના મોકલાવાથી ? કેવળ વ્યવહાર કરવા સારુ ?

ઝબક ! ઝબક ! ઝબક ! મેઘલી રાતમાં વીજળી સબકી સબકીને ચાલી જાય તેમ પ્રશ્નમાળા ઝબૂકી ગઈ. પણ ભૂલો પડેલો પ્રવાસી વીજળીના ઝબુકાટથી તો ભાળવાને બદલે ઊલટાનો વધુ અંજાય ને અંધ બને, તેમ વીરસુત ભ્રાંતિગ્રસ્ત બન્યો, ને શું કરવું તે ન સૂઝવાથી, નબળાઇની ક્ષણ આવી પડશે એ ભયથી પાછો ફર્યો, બહાર નીકળ્યો, ને 'ચાલો ત્યારે ભાભી ! હું નીચે છું.' એમ બોલતો એ નીચે ઉતરી જઇ મોટરમાં બેઠો. ચક્ર હાથમાં લીધું. પણ તે દિવસ એને ડર લાગ્યો કે કદાચ આજે 'વ્હીલ' પર હાથનો કાબૂ ઘર સુધી સાચવવો અઘરો થઈ પડશે.

ક્યાં સુધી પોતે 'સ્ટીઅરીંગ વ્હીલ'હાથમાં ઝાલીને બેસી રહ્યો તેનો ખ્યાલ ન રહ્યો. ગઇ તો હતી પાંચ જ મિનિટ, પણ ભદ્રા આવીને પાછલી બેઠકમાં બેસી કરીને જ્યારે બોલી કે 'લ્યો ચાલો ભૈ !' ત્યારે એને લાગ્યું કે ભાભીએ જાણે સવાર પાડ્યું હતું, ને પોતે જાણે એક સપાટે નીંદર લઇ લીધી હતી.

એણે પાછળ નજર કરી. પાછળની બેઠકમાં એક નહિ પણ બે બૈરાં બેઠાં હતાં એવા પ્રથમ દૃષ્ટિના વિભ્રમ પછી ખાત્રી થઈ કે નહિ,