ભાભી એકલાં જ હતાં. બહાર ડોકું કાઢી આગળ જોયું. કોઇ નહોતું. હોઠ પર પ્રશ્ન પૂછું પૂછું થઈ રહ્યો 'કોઈ આવે છે ભાભી ?' પણ મહેનત કરીને પ્રશ્ન રુંધ્યો. ગાડી દવાખાનામાંથી બહાર નીકળી, રસ્તે ચડી, તોય પોતે વેગ ન વધાર્યો.
કોઈ આવે છે ? કોઈ અફળાય તેમ તો નથી ને ? કોઈ આગળ પાછળ છુપાઇને જોવા તો ઊભું નથી ને ? કોઇ હડફેટે આવીને ચગદાઇ તો જશે નહિ ને ?
કોઇ ? કોઇ એટલે કોણ ? કોઇ એટલે એક જ માણસ : કંચન.
પણ કંચન ત્યાં નહોતી. કંચન હજુ દેવુની દર્શનલાલસાને પેટ ભરી ભરીને સંતોષાવા દેતી હતી. દેવુનો હાથ એણે પોતાના હાથમાં લીધો હતો. દેવુ એને પૂછતો હતો જાણે-સેંકડો ગાઉ છેટેથી એ પ્રશ્ન કરતો હતો : 'બા, હાથ...માં...ચૂ...ડી કેમ.. ન...થી ?'
પણ ત્યાં દવાખાને એવું શું શું બની ગયું તે સંબંધે ભદ્રા ચૂપ જ હતી. કાંઇક બોલશે, કાંઇક બોલશે, એવી વીરસુતની આશા રસ્તા પર વેરાયે જતી હતી.
ભદ્રા તરફ ગાડી વાળવાને વખતે એણે જોયું કે ગાડીની આગળ એક માણસ દોડતો જાય છે. પોતે હોર્ન વગાડ વગાડ કર્યું, પણ દોડતો માણસ ફરીને રસ્તા પર સામે જ ઊભો. ગાડી પણ કચરડડડ... કરતી રોષભરી ઊભી રહી. ઊભેલો માણસ, ગાડીની સખ્ત રોશનીના ઝળહળાટમાં અંજાઇ ગયો હતો. એણે કશી ઓળખાણ કર્યા વગર,હજુ તો અંજાયેલી આંખે જ કશું પૂરું ભાળ્યા વગર, આગળ દરવાજા પાસે આવીને હાંફળા ફાંફળા સ્વરે કહ્યું, 'મહેરબાની કરીને મને જરા બેસારી લેશો ? હું સંકટમાં છું. વાત કરવા વખત નથી. ખાનપૂર ઊતરી જઇશ.'