પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સિદ્ધાંતને બેવફા : ૨૩૭


'તને ખબર નહિ હોય વીરસુત, પણ હું તારે ઘેર તારી ગેરહાજરીમાં આવી ગયો છું,' ભાસ્કર જાણે કે વીરસુતના મનમાં ચાલી રહેલ વિચારની સાથે સાથે જ ચાલી રહ્યો હતો, ભાસ્કર જાણે કે પારકા ઉરપ્રદેશની હરિયાળીમાં સરર સરર ચાલતો છૂપો સાપ હતો. 'મારે તારાં ભાભીને કહી જવું છે એટલું જ વીરસુત !' ભાસ્કરે વીરસુતના બંગલાનો વળાંક આવ્યો ત્યારે પણ ચાલુ રાખ્યું :'કે આજે હું મારી પ્રકૃતિ વિરુદ્ધનું, મારા જીવનભરના સંસ્કારના વિરુદ્ધનું કામ કરી આવ્યો છું. મેં ક્લ્બમાં એક મોટા ગૃહસ્થને...શું કર્યું કહું ? તને મેં શું કરેલું યાદ છે ? તને મેં તે દિવસે જે લજ્જતથી ટીપ્યો હતો, તે જ લજ્જતથી એ ગૃહસ્થને ટીપેલ છે. ફેર એટલો કે તને લોહી નહોતું નીકળ્યું જ્યારે આને તો લોહીની નાખોરી ચાલી જાય છે. એ પડ્યો ક્લબમાં. એ તરફડે ગંભીર જખ્મોની વેદનામાં.'

આમ કહેતો કહેતો એ મોટરમાંથી ઉતરતો હતો. વીરસુત મોટરને ચાવી મારી લાઈટ ઓલવતો હતો. ને ભદ્રા થર થર કાંપતી પાછલે બારણેથી ઊતરતી હતી. એને એમ હતું કે પોતાને ભાસ્કરે જોઇ નથી. એ સરકી જવા લાગી ત્યારે ભાસ્કરે એને કહ્યું, 'હવે થોડી જ વાત બાકી છે. ન ભાગો. સાંભળતાં જાઓ. ક્લબમાં ભજીઆં ને ચહા ખાતાં ખાતાં એ ગૃહસ્થે મને જોઇ વીરસુતની વાત કાઢી, ને એણે લહેરથી કહ્યું કે વીરસુતને તો વહુના બદલામાં ભોજાઈ મળી ગઇ છે. મેં કહ્યૂં, જુઠી વાત છે. મેં શા આધારે કહ્યું તેની ખબર તો મને પણ રહી નથી. મેં તો આટલાં વર્ષો સુધી હંમેશાં એક જ સિદ્ધાંત પાળ્યો છે, કે એ સ્ત્રીએ ને પુરુષે ગમે તેવા સંજોગોમાં પણ ગોઠવાઇ જવું; ગોઠવાઇ જનારાંના મેં સુચરિત્ર અને દુશ્ચરિત્ર એવા ક્રુત્રિમ ભાગ કદી પાડ્યા નથી. પણ આજે અરધા કલાક પહેલાં હું મારા સિદ્ધાંતને