પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૪૦ : તુલસી-ક્યારો


એ જાણતો હતો કે પોતાનો ને ભદ્રાનો સંબંધ બહારની દુનિયામાં ચકચારનો વિષય થઇ પડ્યો હતો, પોતે એ પણ સમજતો હતો કે પોતે જે માટીનો બનેલો હતો તે માટી નબળી હતી. ભદ્રા એ જો સહેજ નબળાઇ બતાવી હોત અને સિવિલ મેરેજનાં બંધનોથી પોતે ન બંધાઇ બેઠો હોત તો પોતે ભદ્રા સાથે લગ્ન પણ કરી બેસત તેવી એના અંતરની કામનાને એ નહોતો ઓળખતો એમ કાંઈ થોડું હતું ! પોતાની કમજોરી શંકાને પાત્ર બની હતી તેનો તેને અફસોસ નહોતો. પણ પોતાનો ગર્વ ફક્ત એક જ હતો કે ભદ્રાની શક્તિ અપરાજીત હતી.એવી અજીત નારીની અણઝંખવાયેલી નિર્મળતા પર લોકો સંદેહ લાવતા ત્યારે એને આનંદ થતો. કેમકે એ દુનિયાની તુચ્છતા, પામરતા, ક્ષુદ્રતાની ખદબદતી ખાઇ વચ્ચે એક અણડૂબ કાળમીંઢ ખડક પર ઊભા હોવાનો પોતાના અંતરમાં આનંદ હતો. આ ગુપ્ત આનંદ અને છાનો ગર્વ જ એની એક માત્ર જીવન સંપત્તિ રહી હતી. એ સંપત્તિમાં આજે કોઇ ચોર પડ્યો એમ એને લાગ્યું. એ ખડક ખળભળ્યો હોય એમ એને લાગ્યું. એ કરતાં તો વધુ એને એ વાત લાગી કે પોતે એકલો જે ખડક પર ઊભો હતો ત્યાં બીજો પણ એક માણસ ચડી ગયો ને ડૂબતો બચી ગયો.

કપડાં બદલાવી અને હાથપગ મોં ધોઈ વીરસુત પાછલી પરશાળમાં જઇ હિંડોળે બેઠો બેઠો આ વેદનામાં બળબળતો હતો ત્યારે એ રસોડાની બાજુએ વારેવારે કાન સ્થિર કરતો હતો. રસોડામાં સ્ટવ ચાલતો હતો. તેના અવાજ ઉપર ભદ્રાના બોલ સ્પષ્ટ અને સાફ છપાતા હતા. સ્ટવના ધમધમાટ પાસે બોલતી એ યમુના ને ભદ્રા બન્ને નિઃસંકોચ હતી કારણકે પોતાનું બોલ્યું ત્રીજું કોઈ નથી સાંભળી શકતું એવી સ્ટવ પાસે બેઠેલાં લોકોની ભ્રમણા હોય છે. એથી ઊલટું સ્ટવ પાસે બોલાતા શબ્દો ઘરની બીજી જગ્યાઓમાં ચોખ્ખા ફૂલ જેવા પહોંચતા હોય છે.