પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અણનમ : ૨૪૩


ભાભીના મન પર ભાસ્કરની વાતો એ કેવી અસર પહોંચાડી છે તે જાણવા વીરસુત થનગની ઊઠ્યો. પણ ભદ્રાએ યમુના પાસે કરેલી વાતોમાં એ વિષે શબ્દ પણ ન પડ્યો.

ભદ્રા યમુના જોડે રોજની ખુશમિજાજી રાખીને તડાકા મારતી હતી. વચ્ચે વચ્ચે એનું હસવું કોઈ એકાકી ઊડી જતી ફૂલચકલીના ફરફરાટ જેવું રૂપ ધરી રહ્યું.

ભાભીને ક્ષોભ નહિ થયો હોય ? હુ એને ને ભાસ્કરને માટે કોણ જાણે શું યે ધારી બેઠો હોઇશ એમ નહિ ભય લાગ્યો હોય ? મને શંકામુક્ત કરવા કેમ હજી આવ્યાં નહિ હોય ? શાક દાળમાં મીઠું વધુ ઓછું થયું હોય તો યે દયામણું મોં કરીને ખુલાસો આપવા ઊભી રહેનાર ભાભી આ બનાવ પરત્વે કાં બેતમા ?

વિચારે વિચારે વીરસુતના પગ હેઠળથી પૃથ્વી સરતી ગઇ. હિંડોળાનાં કડાં હવામાં જડેલાં ભાસ્યાં

ભદ્રા આવી - કોફી ને શાક પુરીઓની થાળી લઇને. એને દેખી વીરસુત સ્વસ્થ બન્યો. ભદ્રા વાત કાઢે તો તેનો શો જવાબ દેવો તે પોતે મનમાં ગોઠવવા લાગ્યો. મનને પોતે ભલામણ કરતો હતો : ભાભી પ્રત્યે ઉદાર અને અશંકિત બનજે. ગમે તેમ પણ હજુ એ બાપડાંની ઉમ્મર કેટલીક ? ભાસ્કર સરીખા પાજી લોકો એને ભોળવવા પહોંચી જાય એમાં નવાઈ શી ?

પણ ભદ્રાની તે રાતની અક્કડાઈ અણનમ જ રહી. રોજના ક્રમ પ્રમાણે એણે મેજ લાવીને હિંડોળા પાસે મૂક્યું, ઉપર પાથરણું બિછાવી થાળી મૂકી. પાણીનો લોટો પવાલું પણ રોજ મુરાદાબાદી બનાવટનાં જ પોતે જે મૂકતી તે જ મૂક્યાં. ને દિયરના શાકમાં લીંબુની ફાડ પણ પોતે જ નીચોવી. પછી પોતે ઓરડાનાં બારણાં