લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૪૮ : તુલસી-ક્યારો


'શી ?'

'એને આવવું છે - પણ જો દેવુની સાથે રહેવાનું હોય તો; વીરસુત સાથે એને નથી રહેવું.'

'કારણ ?'

'લેણદેણ; ઋણાનુબંધ; કુદરતી અણગમો.'

'કોણ કહી ગયું ?'

'પોતે જાતે જ. ગરીબ ગાય જેવી બની ગઇ છે. થોડા દિનમાં વધુ પડતું ભોગવી ચૂકી લાગે છે. દેવુની પથારીએ બેઠી બેઠી પોકેપોક રોઇ છે. નર્સો બધી ભેગી થઇ ગઇ, બાજુનાં દરદી જાગી ઊઠ્યાં, માણસો દોડી આવ્યાં. એક જ વેણ કહ્યા કયું કે 'દેવુભાઇ, દાદા રજા આપે, તો તું ને હું આપણે ગામ જઇ ને રહીએ. આંહીં તો હું પગ નહીં મૂકી શકું. દાદા નહિ સંઘરે તો હું......' વૃદ્ધ બોલતા બોલતા થોથરાયા.

'શું, હં....... ! શું કરશે ?' સાળાએ પૂછ્યું.

'એટલું કહીને અટકી ગયેલી.'

'શું સમજાણું ?'

'આપઘાત કરશે.'

'બીજું કાંઈક પણ કાં ન કરે ?'

'શું ?'

'વેશ્યા ય બને !' અંધ જ્યેષ્ઠારામ લહેરભર્યા ગળે બોલ્યો.

'જા જા, દુષ્ટ !'