'હું ઠીક કહું છું. એને પાછા આવવાનું મન થયું છે તે ઉપરથી કહું છું. ભૂલી ગયા તે દિવસની સભા ! એને માનપાન મળ્યું તે યાદ છે ?'
'યાદ છે. તેથી શું ?'
'એટલાં બધાં માન સન્માન પામેલીનો અત્યારે કોઇ ભાવ પણ નથી પૂછતું ને ?'
'ના.'
'તો હાઉં.'
'શું હાઉં, તારૂં કપાળ, અંધા !'
'મારું નહી, તમારું કપાળ - સસરા તરીકે તમારું ! પ્રારબ્ધની લેખણ જો દીકરાની વહુનું વેશ્યાપણું લખશે તો તે તમારે લલાટે લખશે. એ બાયડીને ઉપેક્ષાનો ડંખ લાગ્યો છે. ઉપેક્ષા કરનાર એની દુનિયા છે. એ દુનિયા પર હવે એ વેર વાળવાની. ને વેશ્યા બની જવા જેવું બીજું કયું મીઠું વેર દુનિયાને માથે દુનિયાની ઉપેક્ષીતા વાળી શકે ?'
આટલું બોલી રહેલો અંધો એવી સિફતથી અટક્યો કે જાણે એક હરફ પણ બોલ્યો ન હોય. કેટલાક માણસો નિરંતર વાતો કર્યા કરવા છતાં મૌન જ ભજતા લાગે, ને કેટલાક પરાણે મૂંગા રહી રહીને છેવટે એકાદ વાક્ય જ સંભળાવે એટલે બોલ બોલ જ કરતા ભાસે છે.
'તારો શો મત છે ?' સોમેશ્વરે પૂછ્યું.
'ન કહ્યું મેં ? આપઘાત કરતી હોય તો મરવા દેવી, વંઠવા માગતી હોય તો રક્ષા કરવી.'