લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૫૨ : તુલસી-ક્યારો


સોમેશ્વર ડોસા તો આ અંધાની વાત પર સ્તબ્ધ થઇ ગયા; ભમરડો ઊંઘે એમ ઊંઘી ગયા. અંધાએ બોલવાનું પૂરું કર્યું ત્યારે માસ્તરને થયું કે એ વધુ વાતો કરે તો સાંભળતાં થાકું નહિ. ઉપરથી જંગલી ને નિષ્ઠુર ભાસતી આ વર્ણન-છટાની વચ્ચે મઢાઈ ગયેલું કંચન વહુનું ચિત્ર વધુ ને વધુ કરુણાર્દ્ર, વધુ ને વધુ વાસ્તવિક, વધુ ને વધુ સુંદર બનતું ગયું. આજ પર્યંત એ અપરાધિની લાગતી, આજે એ 'ધાએ ચડી ગયેલી', નિરપરાધી દેખાઈ. ને એને ધાએ ચડાવવાની પહેલ કરનારો કોણ ? પોતાનો જ પુત્ર !

'ઉતાવળ ન કરવી દવેજી !' માસ્તર જ્યારે ત્યાંથી ઊઠ્યા ત્યારે અંધે ચેતવણી આપી; ચૈત્ર વૈશાખનાં દનૈયાં જેમ જેમ તપે છે ને ભાળ્યું, તેમેતેમ જ મે વધુ વરસે છે. માણસના હૈયાનું પણ એવું જ સમજવું. અમારે જુવાનીમાં વીરસુતની મામી રિસાતી, ત્યારે હું દનૈયાં તપવા દેતો, જો દવેજી ! મારા બાપા જ વીરસુતની મામીને એને પિયરે મૂકી આવતા ને પછી દનૈયાં તપવા દેતા; પણ પાછા ઘોડીએ ચડીને વખતોવખત ખબર કાઢી આવતા : ભેંસના દૂધના ખાસા દૂધપેંડા વળાવીને ડબરો દઇ આવતા, એ બધું જ કરતા, પણ તેડી આવવાની વાત કરતા નહિ. સામેથી કહે તો જવાબ વાળે કે 'એવી તે શી ઉતાવળ છે ! હજુ તો બાપડી નાની છે, ભલેને માવતરના ખોળામાં બે મહિના વિસામો ખાતી !' આખર વીરસુતની મામી પોતે ઘૂમટો કાઢી, બહાર રંગ ઊખડેલી ચૂડલિયાળા ને હાથ કાઢી, મારા બાપને હાથ જોડીને પગે લાગીને બોલી કે 'બાપુજી ! આવવું છે' - આ ત્યારે પછી લઈ આવ્યા. ને એમ પાછી આવેલી વીરસુઅતની મામી ઉમળકાની અટાણે હું શી વાત કરું ! કેવી સુખી થઇને રહેતી ! પણ મેં ય જો ધાએ ચડાવી હોત તો ? તો શું થાત ? કોણ જાણે ? વિશંભરનાથ જાણે.'