લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઘાએ ચડાવેલી : ૨૫૩


અટાણે તો એ આંહીં નથી, ઇશ્વરને ધામ જઇ બેઠી છે, પણ યાદ કરૂં છું ત્યારે સુખના શીળા શેરડા પડે છે, દવેજી ! અમે કાંઇ માણ્યું'તું !' 'ઓ-હો-હો-હો-'

'લે હવે વાયડો થા મા વાયડો , જાની ! મારાં સાળાંની જાની માતર વાયલ ! એક રેલોય નહિ હોય, ત્યાં સો સાપ જોયાની વાતું કરનારા ! ઠેક, પત્યું. જો ત્યારે, હું ઉતાવળ નહિ કરું.'

'તેમ પછા ટાઢાબોળ થઇને ચકલી ઊડી જાવા ય ન દેતા.'

'ડાયો કાંઇ  !'

'આવડવું જોયે ભાઈ, દેખાવ કરવો સમતોલ ડાંડીનો, ને જોખી આપવી પાશેર ઓછી ધારણ, એજ ખૂબી છે ને ધંધાની.'

સોમેશ્વરે ચાલ્યા જઈ છાનામાનાં લપાઇને જોયું તો અંધાનાં નેત્રો આકાશ ભણી ઊંચાં થઇને બેઉ લમણે આંસુની દડ દડ ધારો વહાવી રહ્યાં હતાં.

માણસ જેવું માણસ : બગડેલું , સડવા માંડેલું ને ગંધ મારતું, તોયે માણસ : રખડુ ઢોર નહિ પણ રખડુ માણસ  : અને પાછું મારા ઘરનું માણસ : અને તેય પાછું બાઇ જેવું બાઇ માણસ : એને હું સાજું નરવું કરીશ.

આવા વિચાર લઇને, બુઢ્ઢા સોમેશ્વર જ્યેષ્ઠારામ સાથે વાતો કર્યા પછીના વળતા સવારે દેવુની ઇસ્પિતાલનાં પગથિયાં ચડતા હતા.

બદબો આવતી હતી. પરૂ પાસનાં ડબલાં લઈ રૂપાળી નર્સોના સ્વચ્છ સુગંધી હાથ પસાર થતા હતા. મરવાની અણી પર સૂતેલાં રોગીઓને ઉપાડી ઝોળીઓ આવતી ને જતી હતી. ચીસો ઊઠતી હતી.