૨૫૪ : તુલસી-ક્યારો
રોગી સ્વજનોનાં બિછાનાં પાસે ઊભાં કે બેઠાં આપ્તજનો આંસુડાં પાડતાં હતાં. સુવાવડીઓના વેદના-સ્વરો, અકળ બિમારીમાં પિડાતાં બાળકોના આર્તસ્વરો, અને કેન્સર જેવાં અસાધ્ય દર્દોની વેદનામાં 'મારી નાખો ! ઝટ મને મારી નાખો ડાકટર !' એવો છુટકારો પોકારતાં બિમારોના હાહાકારો :-
તેની વચ્ચે દાક્તરો અને નર્સોના પ્રસન્ન ચહેરા ચાલ્યા જાય છે : સ્વસ્થતાપૂર્ણ પગલાં મડાયે જાય છે : બગડેલા હાથો ધોવાય છે : નાક મચકોડાતાં નથી : મોં સુગાતાં નથી : ચીડ ચડતી નથી : બદબો અકળાવતી નથી : અને મરતાંને પણ આશ્વાસનો અપાય છે કે 'મટી જશે હો કાકા ! હવે તો દર્દ નાબૂદ થઈ જવા આવ્યું છે. ગભરાઓ ના હો કાકા !'.
ડોસો સોમેશ્વર જરાક ફિલસૂફ ખરો ને ? એટલે એણે આ દેહના રોગવાળી વાત માનસિક રોગોને તત્કાળ લાગુ પાડી દીધી. પગથિયાં ચઢી રહ્યો તેટલી વારમાં તો એને કોણ જાણે કેવું ય અભિમાન ચડી ગયું કે એની વળેલી કમ્મર ટટ્ટાર થઇ. ને રોજ પોતાની રમૂજ કરનારી નર્સોને એણે આજ સુધી બહુ મન મોં નહોતું દીધું તેના બદલે આજે એ હાથ પગ જોડી પગે લાગ્યો : ને કહ્યું, 'હદ કરો છો માતાઓ ! તમે પણ અવતાર ધન્ય કરો છો. સડેલાંને સુધારો છો, મૂવેલાંને જિવાડો છો. અને અમે -અમે તો જરાક વહેમ પડ્યો કાંઈક-કાંઈક -થયું કે ભાગી છૂટીએ.'
‘The old man seems to have gone crazy, No Lizzy !’એક ખ્રિસ્તી નર્સ, બીજાને કહેવા લાગી. (આ બુઢ્ઢાનું આજે ચક્કર ભમી ગયું છે, નહિ લીઝી ?)
'નહિ, No crazy. Bravo to you all ! ' પોતાના ગામમાં પંદર વર્ષ પૂર્વે અંગ્રેજી પહેલી ચોપડી એ ભણવતા ડોસાએ તેનું કાળ