પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઘાએ ચડાવેલી : ૨૫૫


કટાયેલું અંગ્રેજી માંડ માંડ પોતાની મદદે આણીને કહ્યું, અને ધન્યવાદ દર્શાવવા બે હાથના પંજા એ નર્સોના ખભા સુધી લઇ જઇ અડક્યા વગર પાછા ખેંચી લીધા.

'થેન્ક યુ દાદા ! એ થાઉઝન્ડ થેંન્ક્સ !' કહેતી નર્સે તો ડોસાના ખભા પર પોતાનો હાથ થાબડી નાખ્યો ને ડોસા 'નહિ, નહિ, હાં હાં.' કહેતા દૂર થઇ શકે તે પૂર્વે તો એક બીજી એન્ગ્લોઇન્ડિયન નર્સ ડોસાને 'લેટમી કીસ યુ ઓલ્ડ મેન !' કહેતી પાછળ દોડી, - એ વિપત્તિમાંથી આ વૃદ્ધ વિધુર બ્રાહ્મણે પોતાના દેહને મહામહેનતે બચાવી લીધો.

પણ પોતે દેવુના ઓરડા પાસે ગયો કે તરત ખસિયાણો પડ્યો. દ્વારમાં જ ઊભી ઊભી કંચન આ તમાશો જોઇ ચૂકી હતી. એણે મોં ફેરવી લીધું. પણ પથારીમાં પડેલો દેવુ એ મોં પરની દીપ્તિને દેખી ક્ષીણ સ્વરે પૂછતો હતો કે 'દાંત કેમ કાઢો છો બા ?'

'તોબા બાપ ! તોબા આ વાંદરીઓથી તો !' બોલતા બોલતા દાદા દેવુના ખંડમાં આવી પહોંચ્યા; અને પોતાની ખસિયાણી હાલતનો બચાવ કંચન પાસે કરવા માટે એની જીભ થોડાં ફાંફાં મારવા લાગી : 'છે કાંઇ સૂગ એને ! સૂગાય તો કાંઇ માણસોને જિવાડાય છે બાપુ ! ધન્ય છે એની સહનશીલતાને ! રંગ છે એના મનની મોકળાશને. ફૂલફ્ટાકીઆ જેવી, પણ કેવી નરકમાં પોતાની જાતને રગદોળે છે!'

પછી તો દાણો દાબી જોવાની શરૂઆત માંડી : 'દેવુ ! તારી બા બહુ સુકાઇ ગયાં છે. મને કાંઇ આવું ગમતું નથી બાપુ ! જુવાનજોધ માણસે સમાયેં ખાવું પીવું જોઇએ. આવું શરીર કરી નાખીને આંહીં પડ્યાં રહે એનો ઠપકો પાંચ માણસ મને જ આપે