પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઘાએ ચડાવેલી : ૨૫૭


કંચનના મુખ ઉપર આ વૃદ્ધને વેણે વેણે કોઇ અકળ કાળી છાયા ઘોળાતી હતી. એ હા કે ના ક્શું કહી શકતી નહોતી.એણે ફક્ત દેવુના મોં સામે જ ગર ટગર નિહાળ્યા કર્યું. દેવુ એને પૂછતો હતો તેનો એ જવાબ આપતી નહોતી. એના મોં પર બાઘામંડળ છવાઇ ગયું. તે દિવસ તો એ જવાબ આપ્યા વગર જ ચાલી ગઇ.

ત્રણ ચાર દિવસો ગયા, ડોસા રોજેરોજ એની એ વાત મૂકે, નિયમિત હાજરી આપતી કંચન એ સાંભળીને મૂંઝવણભર્યા મોંએ બેસી રહે. ન હા કહે, કે ન ના કહે.

પાંચમે દિવસે કંચન ફક્ત એટલું જ બોલી. 'એમની રજા લીધી છે ?'

'કોની વીરસુતની ?' ડોસા હસી પડ્યા : 'એમાં એની રજા શા માટે ? મારે ઘેર - તમારે પોતાને ઘેર - તમને લઇ જવાં એમાં એની રજા ! ના. ના. હું એવો પડી પેપડીનો ખાતલ બાપ નથી. હું કાંઇ એની કમાણી પર નીભતો નથી. ઘણું જીવો મારી સરકાર ! તે મને પંદર રૂપિયાનું પેન્શન પૂરે છે. મારા ઘરનો હું મુખત્યાર, એના ઘરનો એ ભલે માલિક રહેતો. પૂછ્યું છે મારા ગામમાં કોઈ બે પગે હાલતલ માણસને, માસ્તર કેવા ગર્વિષ્ઠ માણસ છે ? પૂછો તો ખરાં, તમારો સસરો પોતાના ગામમાં કેવો માનતંગી ગણાય છે ! અરે આપણે સ્ટેશને ઊતરશું ને, કે તરત જ તમને જણાઇ આવશે, હું મજુરને એક આના વગર ઘા ન કરું! હું બીજા બ્રાહ્મણોની પેઠે મફત ન ઉપડાવું હો વહુ ! હું દાગીને દાગીને ફદિયું ચૂકવવાની ધડ ન કરું. હું પેટમાં ભલે કોરું ખાઉં, પણ સ્ટેશનના મજૂરને તો ધડ દઇને દાગીને આનો ફગાવી દઉં. જોજોને તમે, સ્ટેશને સોમેશ્વરદાદાનો સામાન ઉપાડવા પચીસ બાઈઓની પડાપડી થાય છે કે નહિ ?'