આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૮ : તુલસી-ક્યારો
કંચનને સસરાની આ બાલકવત્ બડાઇખોરી બહુ જ ગમી ગઇ. ડોસો એને વધુને વધુ વહાલો થયો. પોતે પણ એવી જ ગમાર હતી તેથી ? કે પોતે એક મા બનવા સર્જાયેલી સ્ત્રી હતી તેથી ? પોતાના દેહમાં એવું શું સળવળતું કે જેના કારણે આ વૃદ્ધના બબડાતો એને પ્રિય લાગ્યા.
ડોસાએ ફક્ત એટલું જ જોયું કે કંચનનો દેહ જેમ સસલું કમ્પે તેમ સાડીની અંદર કમ્પતો હતો.
'હું તો કહું છું કે થઈ જાઓ તૈયાર !' ડોસાએ તડાકા ચાલુ રાખ્યા; 'દેવુને આંહીંથી રજા મળે કે પરબારા આપણે પહોંચીએ સ્ટેશને. હું તો કહું છું કે એક વાર તમારા આ અડીખમ સસરાનો કેવો છાકો પડે છે તે તો જોઈ જાઓ ! મારે કાંઈ દીકરાની સાડીબાર નથી, મને ઓરતો તો એટલો જ છે કે મારા દીકરાની વહુવારૂઓ મારી જાહોજલાલી અને મારી જમાવટ જોઇને આંખો ઠારતી નથી.'