પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૭૦ : તુલસી-ક્યારો


કંચને એ ઘર છોડ્યું ત્યારે પાછાં પતિપત્ની મળીને પોતાનું વ્યાવહારિક જ્ઞાન મીંડવવા લાગ્યાં : એ વાતો કંચને બારી પાસે ઊભીને સાંભળી. પતિએ કહ્યું :

'આપણને કંઇ બીજો વાંધો નથી, આપણે કંઇ એને પાપિણી કહેતાં નથી, પણ આપણી સાથેનો જૂનો સંબંધ રહ્યો, એટલે તો આપણે જ ઝપટાઈ જઇએ ને !'

પત્ની બોલી : 'અરે, તમે લગાર વધારે રસ લેવા લાગો એટલે સૌ એમ જ માની લેશે કે તમે જ જવાબદાર હશો !'

'બીજા તો ઠીક પણ તું પોતે ય વહેમાઈ પડે ને ક્યાંક ! મને કંઈ બીજાનો ડર નથી.'

'બળ્યું ! આપણે સ્નેહીસંબંધીઓના પ્રશ્નોથી છેટા જ રહેવું સારું. સેવા કરવી તો અજાણ્યાંની જ કરવી.'

'એ તો મેં પહેલેથી જ એ ધોરણ રાખેલ છે. જે આવે તેને કહી દઉં છું કે હું કશું ના જાણું. તમને સૂઝે તેમ કરો. ઓ રહ્યો અનાથાશ્રમનો રસ્તો. બીજી કશી લપછપ નહિ. ધરમ કરતાં ધાડ થાય બા !'

વાત પૂરી થઇ એટલે કંચને પોતાના દેહને ધકેલી ધકેલી રસ્તે ચાલતો કર્યો.

ધરમ કરતાં ધાડ થાય માટે ધરમ કરવો તો આવડતભેર કરવો, એવા સ્નેહી જનોના સિદ્ધાંતની નક્કર ભૂમિને આશરેથી પાછી વળેલી કંચન દેવુની પાસે જતી, અને દાદા તથા ભદ્રા બેઉ જ્યારે સાંજે ઘેર ચાલ્યાં ગયાં હોય ત્યારે દેવુના બિછાનાને પાછલે ખૂણે બેસીને પોતાની થેલીમાંથી છાનીમાની કંઇક ખાતી. એ વખતનો એનો