લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અસત્ય એ જ સત્ય : ૨૭૩


જુવો જાણે, મારા મનમાં જે છે તે તમને કહી દઉં છું. મારા હૈયામાં એક સજ્જડ વહેમ ગયો છે કે, કંચનની આગલી બે કસુવાવડો આંહીં થઇ ગઈ છે, આ ત્રીજીયે મારે બગડવા નથી દેવી. મને આ ઘરનો વહેમ છે. ગમે તેમ તોય બે ય જણાં અણસમજુ કહેવાય. વીરસુતની ય વિદ્વતા તો પોથંપોથા પૂરતી, કેમ વર્તવું કેમ પાળવું એ એને રેઢિયાળને કાંઈ સૂઝે નહિ. માટે તો હું વહુને ઘરમાં પગ પણ મુકાવ્યા વગર કાલે બારોબાર આપણે ગામ લઇ જવાનો છું. છોકરાને મારા માથે ખિજાવું રિસાવું હોય તો છો ખિજાય, ખવરાવજો બે રોટલીઓ વધારે અહીં રહીને; કંચનનું તો મારે બાકીના પાંચ છ માસ શાસ્ત્રીય પદ્ધતિપૂર્વક જતન કરવું છે. જરૂર પડશે એટલે તમને તાર મૂકીશ. તે પૂર્વે તમારે આવવાનું નથી. મને ફક્ત એને માટે ઓસડીઆં તૈયાર કરવાનો ખરડો ઉતારી દો એટલે હું મારી જાણે બધું કર્યા કરીશ. બાકી તો કહી રાખું છું તમને ને વીરસુતને, કે આવેલી વહુને મારે ખોઇ નાખવી નથી. મારે હજુ દેવુ ને અનસુને વરાવવાં પરણાવવાં છે. મારે આપણી આબરૂ ઉપર થૂકનારી જ્ઞાતિની આંખો અમીથી આંજવી છે. ભલે ને બધા સ્ટેશનથી માંડી દવે-ખડકી સુધી ફાટી આંખે જોઈ રહેતા કે દીકરાની વહુને ક્ષેમકુશળ લઇને આવ્યો છે સોમેશ્વર ડોસો ! ભલે સૌ આંખો ઠારતાં. દીકરાની વહુ મશલમાનને ગઇ ને કિરસ્તાનને ગઇ વગેરે ગપ્પાં ઉરાડનારાં આપણાં વાલેશરી બધાં ભલેને ખાતરી કરી લેતાં, કે મારી દીકરાવહુને તો તુલસીમા એ સમા હાથે દીધું છે. ને વંઠે ફીટે તે મારી પૂત્રવધૂ નહિ, કોઈક બીજાની.'

સસરાના વિચિત્ર લપસીંદરે ભદ્રાની જીભ જ તાળવે ચોંટાડી દીધી. ભદ્રાને સસરા પાસેથી પહેલી જ વાર આ સમાચાર લાધ્યા. એની અસર ભદ્રાના અંતર પર જુદા જુદા કૈંક પલટા લગાવી ગઈ.