જ છે ! વટમાં ને વટમાં મરડાઇ જશે મરડાઈ ! તીન પાંચ કરે તો કહી દેજો એને, કે હવે ઢાંકણ ઢાંકવાની તક જડી છે તો ઢાંકવા દે બાપ ! હવે ઉઘાડવું રહેવા દે . અત્યારથી મારા દેવુના અને મારી અનસુના સંસારમાં આગ લગાડ મા. ઢાંક્યે લાભ છે તેટલો ઉઘડ્યે નથી દીકરી ભદ્રા ! સાચું કહેજે .'
કડી મળી ગઇ. સસરો ઢાંકવા જ મથી રહેલ છે. ડોસો પોરસના પૂરમાં તરી રહેલ છે !-
'ગામની બજારમાં ઘોડાગાડી કરીને વહુને લઈ જઈશ ત્યારે અદાવતીઆના ડોળા ખેંચાઇને બહાર નહિ નીકળી પડે ! વાર ક્યાં છે ઝાઝી, કાલ સાંજે ભલેને આભના તારા જેટલી આંખો કાઢીને ગામ જોવે. મારે મોંએ શું હું શાહી ઢોળીને ગામ સોંસરો નીકળીશ ? વાર છે વાર! એક વાર જેણે મને ગામમાંથી નીકળતે ગાળ સંભળાવી છે, તેને ખોંખારો સંભળાવું ત્યારે જ હું ખરો તારો સસરો બચ્ચા ! બાકી તો ઢાંક્યામાં જ બધો સાર છે.'
સસરો અને પૂત્રવધૂ, બેઉએ સમજી લીધું કે આખી ઘટના બનાવી કાઢેલી હતી. ભદ્રા સસરાની બનાવટ પામી ગઈ છતાં અજાણી અને અનુમોદન દેનારી બની રહી. સસરો પણ સમજીને જ બેઠો હતો કે વહુ પોતાની બનાવટને પામી ચૂક્યા પછી જ સહમત બની રહી છે. આ રીતે બેઉ પક્ષે છેતરપીંડી તો રહી જ નહિ. સાચી વાતનો બેઉ પક્ષે સમજે પડી ચૂક્યા પછીનો જ આ સભાન તમાશો હતો. જીવનનો આખરી નિષ્કર્ષ જ આ તમાશો હતો. કોઇ કોઇને છેતરતું નહોતું, બન્ને પાઠ ભજવતાં હતાં, ને બન્ને પરસ્પર એ કયો પાઠ ભજવાય છે તે જાણતાં હતાં : પ્રવંચના પોતે જ વસ્તુસ્થિતિ બની રહી. છેતરપીંડી પોતે જ પ્રમણિકતા બની રહી.