પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'બામણવાડો છે ભા !' : ૨૭૭


'આમ સામે ફરો ભા !' ડોસાએ દુભાયેલા સ્વરે કહ્યું : 'હું કોઈ વાઘ દીપડો નથી. ગમે તેવો તોય માણસ છું. આ લ્યો. આ તમારું છે તે સંભાળી લ્યો. આંહીં અડવા રહેવું નહીં પાલવે. માણસો સવારે મળવા આવશે અને પાછાં જઇને કહેશે કે સૂમના પેટનો સસરો પહેર્યા ઓઢ્યા જેવડી વહુને સાધુડી બનાવી ને બેઠો છે.'

કંચને પોતાની સામે સોનાના દાગીનાની ડાબલી મુકાયેલી દીઠી. એને ગમ ન પડી કે ડોસો શું સૂચવે છે. એ તો દિગ્મુઢ બનીને ઊભી. એટલે ડોસા ફરી વાર કરડો સ્વર ધારણ કરીને બોલ્યાઃ-

'આ તમારા દીકરા દેવુનું છે. તમારે એની સાચવણ કરવી જોશે. ને પટારામાં બીજી જે જે ચીજ વસ્તુ હોય તેની પણ નોંધ કરી લ્યો. અજાણ્યાં ને આંધળાં બન્ને બરોબર કહેવાય. પોતાના દીકરાની માલમતા જો મા નહિ સાચવે તો કોને પાડોશીને ભળાવવા જવું પડશે ?'

કંચન નીચે બેસીને દાગીના બહાર કાઢી જોવા લાગી. એ જ એ દાગીના, જે પહેરવાની ત્રણ વર્ષ પર ના પાડીને દેવુનું અને ભદ્રાનું મોં તોડી લીધું હતું. તે પછી અમદાવાદના સુશિક્ષિત સ્નેહી મંડળમાં તો સોનારૂપાના દાગીનાને અંગ પર ધરવાના જંગલીવેડાથી એને દૂર રહેવું પડેલું, અને ખોટાં એરિંગો, ખોટી બંગડીઓ વગેરે શણગારો એની અણપૂર લોલૂપતાના ખાડા કદી પૂરી શક્યા નહોતા. આજે આ ઘરેણાં દેખી એનું બાળક જેવું નારીહૃદય નિઃશ્વાસ નાખી ઊઠ્યું. આ દાબડીને કેવી રીતે સાચવવાની છે તેવો પ્રશ્ન કરી ન શકવાથી કંચન એને બંધ કરવા જ ચાળા કરતી હતી.

'એ તો મને આવડે છે.' ફરી દુભાયેલા સાદનો ડોળ કરીને સસરા બોલ્યા. 'ને મને જો ઈશ્વરે બૈરું બનાવ્યો હોત ને, તો હું કાંઈ તમને આ