લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'બામણવાડો છે ભા !' : ૨૭૯


દીકરાની વહુને કાંઈ હું રઝળતી ભટકતી આંહીં હાંકી નથી લાવ્યો બાપ ! દીકરાની વહુને કંઇ નધણિયાતા ઢોરની જેમ નથી ક્યાંઇથી હાથ કરી. દીકરાની વહુને તો મોંઘા પાડની તેડી લાવ્યો છું. ને હું તો ભરી આશાએ લઈ આવ્યો છું. મારો દેવુ એકનો એક છે તે દિનરાત જીવ ફફડ્યા કરે છે. હું આખો દિવસ કામધંધા વગર નિરુદ્યમી બનીને બેઠો રહી શકતો નહોતો એટલે તો તમને હું મોંઘાં કરીને તેડી લાવ્યો છું. સરકારનાં પેન્શન તો મારે દાઝ કાઢીને ખાવાં છે બાપા ! બેઠા બેઠા વિચારવાયુનો ભોગ થઇ પડીને ઝટ ઝટ મરી નથી જવું મારે, પેલા ત્રિપુરાશંકરની પેઠે. મૂવો બાપડો ! પારકાં છોકરાં રમાડી રમાડીને કદી જીવી શક્યો છે કોઈ પેન્શનર, તે ત્રિપુરો જીવે ! એની દીકરાવહુનો દેહ કોઇ દા'ડો જવાબ જ ન દઇ શક્યો તો ભોગ એના ! એમાં મારો શો દોષ ! હું કાંઇ તમને રૂપાળાં જાણીને નથી લાવ્યો, મારે કાંઇ તમારા હાથના ફૂલકા નથી જમવાં, મારે તો પાંચ વરસ પેન્શન ચાવવા થાય તે માટે ખાલી ખોળો ખુંદનારૂં જોતું હતું તેથી જ તમને લાવ્યો છું ભા ! આ લ્યો, તમને પેટની વાત ચોખ્ખે ચોખ્ખી કહી દીધી. બીજી એકેય બાબતે મારે તમારી ગરજ નહોતી.'

સસરાના આ શબ્દો પડતા હતા તે દરમ્યાન કંચનનું પ્રત્યેક રોમ ધ્રૂજી રહેલું. પોતાને આંહીં લાવનાર બુઢ્ઢો માણસ પોતાની શારીરિક સ્થિતિ જાણતો નથી તેથી જ આ ભૂલ કરી રહ્યો છે, અને એ જાણવા પામે તે પહેલાં જ પોતે તો અહીંથી ક્યાંઇક છટકી જનાર છે અથવા તો માર્ગ કાઢી લેનાર છે, એવી ગુપ્ત ગણતરી કરીને જ કંચન સસરા સાથે આવી હતી. માર્ગ નીકળશે કે નહિ તેનો એણે વિચાર જ કર્યો નહોતો. એને તો કેવળ છૂટવું હતું -એક સ્થિતિમાંથી છૂટીને બીજી સ્થિતિમાં દાખલ થઇ જવું હતું.