પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૮૦ : તુલસી-ક્યારો


એનું પ્રયાણ કેવળ આંધળું જ હતું. એનો મદાર સસરાના, પોતાની શારીરિક હાલત સંબંધેના અજ્ઞાન ઉપર હતો.એન તો ખાતરી હતી કે પોતે સગર્ભા છે એવી જો જાણ હોય તો તો સસરો એની છાંય પણ ન લે, અથવા કદાચ ખલાસ પણ કરી નાખે. પણ આ તો સલામતીની જે કલ્પના-ડાળ પર પોતે અવલંબી હતી તે જ ફસકી પડી ! અને એનો જીવ ઊડી ગયો. આઠ મહિનાથી પોતે ઘર છોડી ભાગેડુ બની છે એ વાતનું બરાબર જ્ઞાન ધરાવતો સસરો એવી ભ્રમણામાં કદી હોય જ શાનો, કે આ ગર્ભ એના પુત્રથી રહેલ છે ! તો પછી આ શી કરામત ચાલી રહી છે ! મારા પર હજુ શા શા સંસ્કારો આ અજાણ્યા સ્થાનમાં થવાના હશે !

કંચનના હાથમાં દાબડી થીજી રહી હતી. કંચનને એનાં વિચાર વમ્મળો આડે પૂરું ભાન પણ નહોતું રહ્યું કે દેવુ એ દાબડીમાંથી ચંદનહાર કાઢીને બાને કંઠે પહેરાવતો બેઠો છે. અને ડોસા તો પાછા પટારાની ચીજો ઊથલાવવામાં રોકાયા હતા. અંદરથી મોતીના વીંઝણા કાઢતા હતા, ભરેલાં તોરણો અને ગાલીચા બહાર ફેંકતા હતા-કહેતા હતા કે 'લ્યો ભા ! મૂકો ઠેકાણે, પડ્યાં પડ્યાં સડી જશે આ બધાં.'

એમ કહેતો કહેતો ડોસો પાછો ફરીને જોતો હતો કે વહુના ઉપર આ તર્કટની શી અસર થઇ છે. વહુના દેહ પરનો ગભરાટ એણે વાંચી લીધો, એ ગભરાટને મિટાવવાની તક જલદી લેવી જોઇએ એટલે એણે દેવુને 'દેવ ! તું માંદો માંદો આંહીં ન બેસ. નહિ ખોવાઇ જાય તારી બા ! જા બિછાને જઈ બેસ.' એમ કહી મોકલી આપ્યો અને પછી પટારાની વસ્તુઓ ઠેકાણે પાડતે કહ્યું-

'મારા તો શ્વાસ અધ્ધર ચડી ગયેલા. સારું થયું કે શંકરે મને સન્મતિ આપી કે, તમને ધૂત્કારી કાઢતાં પહેલાં મેં વીર-