આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૨ : તુલસી-ક્યારો
'ઠીક ભા ! ઉપકાર કર્યો મોટો ! જાવ હવે.' એણે તોરથી કહ્યું 'એઇને લહેરથી કામકાજ કરો, ને મળવા આવે તે બધાને તડાકાબંધ જવાબ દેજો. કોના બાપની મગદૂર છે કે આપણામાં રામ હોય ત્યાં લગી કોઇ એલફેલ વાતો પૂછી શકે ! પૂછનારનાં મોઢાં રંગાઇ જાય એવા પાણકા જ ન છોડીએ મોંની ગોફણમાંથી ! આ તો બ્રાહ્મણવાડો છે ભા ! તાડુકતાં ય શીખવું જોશે. ફુંફાડો ય મેલી દેનારો તો ફણીધર પણ સૌને ઠેબે ચડ્યો'તો ભા ! બમણવાડો છે આ તો બાપા ! આપણે જ જો કાચા કાળજાનાં થઇએ તો તો બામણો ઠોલી જ ખાય. આતો બામણવાડો છે ભા !