પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૯૦ : તુલસી-ક્યારો


તે વખતે મેં એમને બરાબર ખિજાઈને લાપોટ ચોડેલી. ને કેવાં કડવાં વેણ સંભળાવેલાં ! ને એણે સવારે ઊઠીને મને બે હાથ જોડીને એવું કાંઈ જ નહોતું કહ્યું એ 'તારી વાત સાચી છે, હું ક્ષમા માગું છું.' એણ તો ચંદનહાર જ પાછો બાપુજી પાસે લઈ જઇ બાપુજીને પગે હાથ નાખેલો. પછી એ રાતે મેં એમને કેવા લાડ લડાવેલા ! કેવી રસની હેલીમાં ભીંજવેલા ! દરિયામાં જેમ મોટો મગરમ્ચ્છ ડૂબકી મારી જાય ને માથે પાછું જાણે કાંઇ બન્યું જ નથી એમ પાણી ફરી વળે, એવું જ થયું'તું અમારા તે દિ'ના સંસારમાં હેં મૂઈ ! તે દિ' ફરીથી જાણે આવું આવું થઈ રહ્યો છે. જાણે એનાં જ પગલાં ગાજે છે 'આવું છું ! આવું છું !' એ અમારું એમ કેમ, ને આ દેરનું આમ શા માટે? કોણ કહી શકે ? હું જ એને કહેત - જો મારા શરીર પર સૌભાગ્ય હોત તો : તો તો હું દેરને મારી પાસે બેસારીને અમારા સંસારની ખૂબીઓ સંભળાવત. તો તો હું એને એક પછી એક બધી જ ચાવીઓ -અસ્ત્રીનાં અંતરના તાળાં ઉઘેડવાની- બતાવત. પણ આજે મારા મોમાં વધુ સ્પષ્ટતા શોભે નહિ.આજે તો હું ડરૂં છું બૈ ! ડગલે ને પગલે ફફડું છું !