લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
છૂપી શૂન્યતા : ૩૦૧


'આજે કેમ રડું રડું થઇ રહ્યું છે ! એ ચીડીઆ, નાદાન, ધડા વગરના દેરનું ઘર ચલાવવા જવાની ભૂલ હું ક્યાં કરી બેઠી ? એનું સાન્નિધ્ય મને રાત ને દિવસ ડરામણું ભાસતું તે છતાં આજે કાં એ સન્નિધ્યમાંથી મળેલા છૂટકારાને હું અંતરમાં અનુભવી શકતી નહિ હોઉં ! ચિડાતો, અપમાન કરતો, ભય પમાડતો, ભૂલો કાઢતો, ને કદી કદી તો બેહદ અકળાઇને જાકારો પણ બોલતો એ દેર દૂર થતાં મારું આખું જીવન પૂર્વે કદી જ ન અનુભવેલી એવી શૂન્યતાને અવનવી વિકલતા કેમ અનુભવે છે ! હે પ્રભુ, હે તુળસીમા, મને આમ કેમ થાય છે ? કે જાણે દેરનું પ્રયાણ કોઇ કારણે અટકી પડે. તુલસીમા, મને એટલું બધું કાં થાય કે દેરને કોઇક અકસ્માત નડે તોય સારું !'

'અકસ્માત'ના વિચારે કલ્પનાની આખી પરંપરા ઊભી કરી :'મુંબઈમાં જ રેલગાડી પર જતે જતે કોઇ ટેક્સીમાંથી પછડાય, પછડાય પણ પાછું વાગે બહુ થોડું હો તુલસીમા ! થોડું એટલે કેટલું? તે વખતે તો ન જ જઇ શકે તેટલું. એમનો તાર મળે, એ મને તેડાવે, હું મુંબઇ જઇ લઇ આવું પાછા. એના ઘરમાં રહી એને સાજા કરું, પણ પછી તો એને જવાનું જ ન બને તેવું કરી આપું : એને ને કંચનને હું ભેટાડી જ દઉં. પછી તો જવાનું કારણ જ શું રહે ? એ જો કહે કે ભાભી ! કોઇ રીતે મને દેશવટે મોકલતાં અટકો, તો હું શરત મેલું કે કંચનનો અને એના નાના બાળક સાથે જ સ્વીકાર કરી લો. એ જો હા પાડે તો હું બાપુજીને મનાવી લઉં. પણ પછી કંચન મને ઘરમાં રહેવા દે ખરી ? દેર મને જ પૂછી કરીને પાણી પીવે તો કંચનને ઇર્ષ્યા ન આવે ? પણ હું દેરને એમ કહું કે મને તમારે કશું ન પૂછવું, બેઉ જણાંએ સમજીને બધું કરવવું કારવવું, તો? તો મને ગમશે ખરું ? શા માટે ન ગમે ? મારે ને એને શું ? હું તો મારી અનસુને ઉછેરીશ, મારા દેવુને મોટો કરીશ, મારા સસરાનું ઘડપણ સંભાળીશ.'