લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૦૨ : તુલસી-ક્યારો


એ કરવા તો પોતે પાછી વળી રહી હતી. છતાં દેરનું ઘર પાછળ પાછળ દોડ્યું આવતું હતું, પોતાની પાછળ જાણે કબાટો ને હિંડોળા, રસોડું ને પાણીના નળ હડી કાઢતા હતા. એ બધાંને પાછાં એકઠાં કરીને કોઈક બંગલામાં પૂરી દેતું હતું. 'આવતે સ્ટેશને જ દેરનો તાર મળે, કે ભાભી આવજો, મને તાવ ચડ્યો છે......તો ?'

તરત દોરો યાદ આવ્યો. દોરો દેરને દેવાનું ભૂલી ગઇ છે પોતે, તેથી શું થાય ને શું ન થાય ! 'હાશ, દોરો ભૂલી ગઈ હોઉં તો તો બહુ સારું; તો તો કશુંક થશે ય તે - પણ થોડુંક જ થજો, હો તુળસીમા !'

દેરના ક્ષેમકુશળની અને પોતાના સ્વાર્થી સુખની, આ બે લાગણીઓ વચ્ચે તોફાન ચાલતાં પોતે પોતાની નબળાઇ અને વિચારહીનતા પર હૈયું ઠેરવ્યું. પોતે આવી આકુલતાના અનુભવ પર નિઃશ્વાસ નાખ્યો, અને જાણે દેવ પોતાના જીવનમાં પહેલી જ વાર કોપ્યો હોય એવો મનોનુભવ થતાં ચોબાજુથી ઘેરાઇ ગયેલ કોઇ વિષાદ્‍ગ્રસ્ત ધેનુની માફક અંતરમાં ભાંભરડા દેવા લાગી. રડી પડી. ત્યાં તો યમુના બોલી:

'દીઠાં બહુ ડાયાં ! રડવા બેઠાં. તમારો દોરો તો લઇ જઇને હું જ બાંધી આવું છું.'

'ક્યાં ?'

'ભાઇને કાંડે.'

સામાન્ય સંજોગોમાં માનવીને આવા સમાચાર મુક્તિની ને ચકિત આનંદની લાગણી કરાવે, પણ ભદ્રાના સંજોગો ક્યાં સામાન્ય રહ્યા હતા ?

એને ન ગમ્યું. દોરો તો દેરને કાંડે પહોંચી ગયો હતો, દેરની યાત્રા ક્ષેમકુશળ બનશે. એક વર્ષ સુધી તો દેર પાછા નહિ વળે !