સાબરમતી નદી આવી - પુલ ઉપરથી ભદ્રાએ એક શ્રીફળ અને એક ચકચકતો નવો પૈસો નીચે વહી જતાં નીરમાં નાખ્યાં. એનો ઘા કરવામાં પૂરી કાળજી હતી. રમતમેદાન પરના કોઈ ખેલાડીએ કદી કોઇ સન્નારી સામે આટલી હળવાશથી રબરના દડાનો 'કેચ' નહિ નાખ્યો હોય. નદી એને મન સજીવ સત્ત્વ સમાન હતી. 'મા ! ભાઇની રખ્યા કરજો !' એવી ટુંકી પ્રાર્થના એ શ્રીફળ અને પૈસાની સાથે સાબરમતીનાં જંપતાં જળ ઉપર ઝિલાઇ. પણ એના અંતરના અણવદ્યા બોલ જુદા હતા, 'ભાઈને કંઈક, થોડુંક કંઇક કરીને પાછા વાળજો. ભાઇને મેં કંચનથી વછા પડાવ્યા છે. હું અદેખી છું. ભાઇ પાછા અવે તેમાં મારો શો સવારથ છે ? સવારથ તો છે જ ને રાંડી ! જૂઠું બોલ છ કે ? જૂઠું બોલતી હોઉં તો લો ખાતરી કરાવી આપું. ભાઇ જો પાછા આવે તો હું એને મારું મોં ય ન બતાવવા બંધાઉં છું.'
પણ સાબરમતીનો નિષ્પ્રાણ પુલ એવી એવી માનસિક લવારી સાંભળતો પાછળ રહ્યો. ગાડી સાબરમતી સ્ટેશને પહોંચી. યમુના રખે દેખી જાય તેટલા માટે જ ભદ્રા બારી પર મોં દબાવીને બેસી રહી. એની આંખોનાં પાણી વરસાદનાં ટીપાં સાથે મેળ કરીને બારીના પોલાણમાં ઊતરતાં હતાં.