લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૧૨ : તુલસી-ક્યારો


ભાસ્કર હેબતાયો. એ ભદ્રા હતી. પણ પૂર્વે વીરસુતને ઘેર દીઠેલી તેવી ભદ્રરૂપિણી સૌમ્યા નહોતી. એની આંખો, પોતાની સમસ્ત શીતળતા સાચવીને પણ પોલીસોની આંખોનાં તળિયાં ઉચકાવી રહી. પોલીસનો પરિચય કે પ્રસંગ એને કદાપિ નહોતો પડ્યો. ઘરની ખડકી એણે અમદાવાદ આવ્યા પછી જ, દેવુના દવાખાને જવા પૂરતી વળોટી હતી. પુરુષ જાતિના એક પણ માણસ જોડે એ ઊંચે અવાજે બોલી નહોતી. એવા સંસ્કારોમાં પોષાએલી ભદ્રાનું હૈયું 'કંઈક કહું ! કંઈક કહું!' એવા શબ્દોએ ધબકતું ધબકતું, એક ઉચ્ચાર પણ કરી ન શક્યું.

પોતે કંઇ કહી નથી શકતી એ બાબતનો એને મનમાં આત્મતિરસ્કાર આવ્યો. પણ એને વધુ વેદનાની અગ્નિઝાળો વેઠવી ન પડી. એ આશ્ચર્યચકિત બની. ભાસ્કરને એણે સામે હાથ જોડી શિર નમાવતો જોયો.

ભદ્રા શરમીંદી બની. આવું નમન. પોતાનાથી પણ મોટી વયના પુરુષ પાસેથી પામવાનો આ પહેલો જ બનાવ એને ગૂંગળાવી રહ્યો. એની લજ્જાએ એના મૂડેલ મસ્તકને લાલ લાલ કરી મૂક્યું.

'સારૂં થયું કે તમે આંહીં મળી ગયાં.' ભાસ્કરે ભદ્રાને પ્રસ્તાવનાના સંતાપમાંથી બચાવી લેવાની બુદ્ધિથી આમ પરબારી જ શરૂઆત કરી લીધી; ને સ્તબ્ધ બનેલા, બાઘોલા જેવા પોલીસોને વિચાર કરવાનો પણ સમય આપ્યા વગર એણે ભદ્રાને કહેવા માંડ્યું -

'નલિની નામની એક રાજકોટની વિદ્યાર્થિની અમદાવાદમાં મારા રક્ષણ તળે હતી. એના પિતા પણ નલિની પરની મારી દેખરેખ માગતા હતા. એ પરણી તે પછી તેના પતિએ પણ નલિની સાથે મારો સહવાસ ચાલુ રહેવા ઈચ્છા બતાવી હતી. પછી નલિની પતિને ઘેર ગઇ, ત્યાં જેવું કંચનને વીરસુતના ઘરમાં બન્યું તેવું નલિનીને બન્યું. મારી એણે કાગળ લખીને સલાહ પૂછી. મેં એને પતિનો ત્યાગ