પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભેટો : ૩૧૩


કરવાની સલાહ લખી, પણ પતિ પત્ની વચ્ચે મનામણાં થયા. મનામણાં કરવાની રીત રમૂજી હતી.પતિએ કહ્યું કે નલિની ! તું તો નિર્દોષ ને ભોળી નારી છે. તું નિષ્પાપ છે. પણ ભાસ્કરે જ દુષ્ટે તને ફસાવી દીધી. એટલે નલિનીએ સંતુષ્ટ થઇને એના પતિ પાસે મારા કાગળો પ્રકટ કરી દીધા છે. મારા સામે નલિનીને ભગાડી જવાની કોશીશનો કેસ થયો છે. મને ત્યાં લઈ જાય છે. હું તમારા આશીર્વાદ માગું છું.'

'આશીર્વાદ-' ભદ્રાને ગળે થૂંકનો ઘૂંટડો ઊતરી ગયો. એ માંડ બોલી શકી : 'આશિર્વાદ શેના ભૈ ?' એ 'ભૈ' સંબોધનના ઉચ્ચારમાં એનો એ જ થડકાર હતો, એજ રણકો અને કમ્પાયમાન ઝણકાર હતો, જે સગા દેર વીરસુત પ્રત્યેના સંબોધનમાં ગૂંજી ઊઠતાં. ખુદ ભદ્રાએ જ પોતાનો એ બોલ સાંભળ્યો, ને એને પોતાને જ નવાઇ લાગી. વીરસુત સિવાયના કોઇ પ્રત્યે આવો ઝંકાર એના કંઠે કદી કર્યો નહોતો.

'આશિર્વાદ એટલા જ કે મેં જેને મારી સચ્ચાઇ માની છે તેને હું છોડી ન દઉં.'

ભાસ્કરની વાણી ભદ્રાની સમજમાં ઊતરી નહિ. 'સચ્ચાઇ' શબ્દ પારકી સ્ત્રીઓના સંસાર ભંગાવનાર પુરુષના મોંમાં વિચિત્ર જણાયો. ઓછામાં પૂરું પેલા બેઉ પોલીસ ખડખડ દાંત કાઢવા લાગ્યા ને દાંત કાઢતે નાયકનો જૂનો દમ ઊખ્ળી પડ્યો. એની ભયાનક ખાંસીનો એ હુમલો પાંચ મિનિટ સુધી ચાલુ રહ્યો, અને કેમ જાણે કોઇ બાકી રહેલા કામની વચ્ચે વિક્ષેપ પડ્યો હોય, એવી ભ્રાંતિથી ભદ્રા ત્યાં થંભી રહી, પણ નાયકનો દમ સહેજ શમતો હતો ત્યાં તો પોલીસે ફરી હસવું શરૂ કરી 'દેખ લો નાયકસાબ ઇનકી 'સચ્ચઇ !' એમ કહીને નાયકને ફરી વાર બેફામ બનાવ્યો.