પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભેટો : ૩૧૭


બાંધતે અંતરમાં ઝણઝણાટી અનુભવી. એ ઝણેણાટ અનુકમ્પાનો હતો, ધિઃકારનો હતો, કે તાજ્જુબીનો હતો ? ભદ્રા ન સમજી શકી. એને આવો જીવનપ્રસંગ કદી સાંપડ્યો નહોતો. આ માનવીની વિચિત્રતા પણ વ્યવસ્થિત હતી. આ પુરુષના માનસિક કુમેળમાં પણ કશોક સુમેળ હતો. આ રોગીને રોગ શું કોઠે પડી ગયો હતો ? એના જીવનમાં શું કોઇ રસતત્ત્વ ખૂટતું હતું જેને પરિણામે આ રોગ થયો હશે ! પાપનો પણ શું પ્રતાપ હોય છે ?

રાતના અગિયાર વાગે ગાડી બદલાવતે બદલાવતે આ ગામડિયણ વિધવાને ભાસ્કરની સમસ્યાએ વ્યથિત કરી મૂકી અને એની જૂની સ્મૃતિ કડીબંધ જાગી ઊઠી. પોતે અમદાવાદ ગઇ તેના પહેલા જ દિવસની રાતે દેરના નિર્જન ઘરમાં ભાસ્કર ઓવરકોટ લેવા ઘૂસેલો ને પોતે ફફડી ઊઠેલી છતાં ભાસ્કર પગલું ય ચાતર્યો નહોતો. ફરી પાછો ઘણા મહિને ભાસ્કર સાંજ ટાણે ઘરમાં આવ્યો, યમુનાએ ચીસો પાડી, ભાસ્કર શાંતિથી ચાલ્યો ગયો, તે પ્રસંગ પણ નજર સામે તરવરી ઊઠ્યો. ભાસ્કરની આંખ બદલી નહોતી. પછી કેદ પકડાવાની રાત્રિએ એણે દેરની મોટરમાં ચડી ઘેર આવવાની ધૄષ્ટતા કરી તે પ્રસંગમાં પણ કોઇ મેલું તત્ત્વ હતું ? ને આજે ટ્રેનમાં થયેલો મેળાપ પણ એટલો બધો સ્વચ્છ હતો !

ત્યારે શું આ માનવી ઘાતકી ને પ્રપંચી નહિ ? પ્રામાણિકતા આટલાં વિલક્ષણ રૂપો ધારણ કરતી હશે ? ને કંચનના સગર્ભાપણાની વાત એણે સાવ સ્વાભાવિક ગણી સ્વીકારી લીધી તે વિચારમાંથી ન ખસી શકે તેવું દૃશ્ય હતું. એ પોતે જો કંચનની આ દશા માટે જવાબદાર હોત, તો ચમકી ન ઊઠત ! વીરસુતનો ત્યાગ કરી બેઠેલી કંચન આ દશાને પામે તેનો સીધો જુમ્મેદાર બીજો ગમે તે હો, પણ તેનો મૂળ જવાબદાર તો પોતે જ છે, એ વિચારે પણ એ કેમ ન