પણ પોતાનો વારો આવવાને વાર લાગતી ગઇ તેમ તેમ વીરસુતને આ નિરાશ પગલે બહાર નીકળી ચાલ્યાં જનારાંઓ પરની સરસાઇની મીઠાશ કંઇક કંઇક ઓછી થતી ગઇ. એનું કારણ બહુ વિચિત્ર હતું.
એ ઇમારતના માથા પરનું વાદળ વેદનાભર્યું હતું. વિમાનોની પાંખો ગાજતી હતી. દૂર દૂરના ધડાકા વાયુમંડળને કમ્પાવતા હતા. જગતનો વ્યવહાર તૂટતો હતો. માનવપ્રેમના કેડા રૂંધાતા હતા. દુર્ભાગીઓની સંખ્યા વધી રહી હતી. ને સેંકડો ભાગ્યહીનો હતભાગીઓની વચ્ચે એકાકી સુભાગી બનવામાં બિલકુલ રસ નથી બળ્યો હોતો એનું ભાન વીરસુતને આંહીં થતું આવતું હતું.
આમ જ્યારે વીરસુતે પોતાના જીવનને બીજા હજારો લાખો જનોની સરખામણીમાં નિહાળવું શરૂ કર્યું ત્યારે એને આખા જીવનમાં કશુંક નવીન લાગ્યું. લડાઇનો એ કાળ એક નાની બારી જેવો બની ગયો. એ બારીમાંથી જાણે વીરસુત બહાર ડોકિયું કરતો હતો. પોતે ઊંચો અને સલામત ઊભો હતો, બીજાં સેંકડો નીચે ભીડાભીડમાં ચાલ્યાં જતાં હતાં, એકબીજાંથી ચગદાતાં ને વિખૂટા પડતાં. જાણે દોડાદોડ મચી હતી, ને મા બાળકોથી, પતિ પત્નીથી, બાપ બેટાથી છૂટાં પડીને એ બેશુમાર ગીરદીમાં અલોપ થતાં હતાં.
મનના તરુવર પર એક મોરલો થનગનતો હતો - ઝર ઘેર પહોંચી સ્વજનોને ભેટવાનો ઈચ્છામોરલો. કોઇએ જાણે એ મોરલાને પાણો મારીને ઉડાડ્યો. પછી એ મોર પાછો એની એ જ તરુ-ડાળે આવીને સ્થિર ન બન્યો. ચોખ્ખાચણાક ઉર-આભને છેલ્લે આરે તલના દાણા જેવડી જાણે કાળી વાદળી વરતાઈ. વીરસુત વ્યથિત બન્યો.
એણે આજુબાજુ નજર કરી. પોતાની જેવો એક જુવાન ઊભો હતો. કપડાં મેલાં હતાં. સુકાએલાં મોં પર વધુ પડતો