૩૩૨ : તુલસી-ક્યારો
ચળકાટ મારતી ભયાનક લાલી હતી. ડોળા ઊંડા ગયેલા. પણ વધુ નિહાળીને જોતાં બે વાતની શક્યતા લાગે : થોડા જ વખત પૂર્વે એ શરીરે ને સંસારે સુખી હોવો જોઇએ. વીરસુતનો રસ તીવ્ર કૌતુકની પરિસીમાએ પહોંચ્યો. એણે સવાલો પૂછ્યા. પહેલાં તો યુવાને વાર્તાલાપમાં ઊતરવાની દાનત ન બતાવી, પણ છેવટે વીરસુતે આટલો જવાબ મેળવ્યો :-
'હિંદી છું, મુસ્લિમ ડૉક્ટર છું. આંહીં અભ્યાસ વધારવા આવેલો એમાં એક શ્રીમતનંદિની ગોરી સ્ત્રીનો મેળાપ થયો. ઘેર બુઢ્ઢા બાપ છે, મા છે ને બે બાળકોવાળી બીબી છે. બીબીને તો આંહીં બેઠે તલાક દઇ દીધા ને આ ધનિક ગોરી સ્ત્રી સાથે નિકાહ કર્યા. મને મનથી ને શરીરથી ચૂસી લઇને મને તલાકની હાલતમાં ઉતારી મૂક્યો છે. આંહીં પ્રેક્ટીસ સારી ચાલતી, પણ હવે તો જવા ચાહું છું. મેં તલાક આપેલી બીબી બીજે ક્યાંય પરણી નથી ગઈ. મારા પિતા એને પાળે છે. મારી એક બેટી અને એક બેટો મેં છેલ્લાં છોડ્યાં ત્યારે બહુ નાનાં ને અણસમજણાં હતાં. આજે દીકરો દસ વર્ષનો થયો હશે. સાત વર્ષથી આંહીં છું. બેટાના હસ્તાક્ષરનો પહેલો કાગળ, એની માએ લખાવેલો, તે મને મળ્યો તે પછી અહીં દિલ ઠેરતું નથી. લાગે છે કે હું મરી જઇશ તો એક કામ બાકી રહી જશે. એ કામ બીબીના કદમોમાં પડી માફી માગવાનું છે.'
આમ કહીને એણે પહેલી જ વાર મોં મલકાવ્યું. એટલા નાના હાસ્યમાં એના ચહેરા પરની ખાડો, દાઝો, કરચલીઓ વગેરે થોડી ઘણી ડૂબી જઇને પાછી વધુ ઉઘાડી પડી ગઇ. વીરસુતે પૂછ્યું –
'કેમ કહો છો કે તમે મરી જશો ?'
'હું દાકતર છું તેથી.'