એને ઘડીભર એવી ભ્રમણા થઇ કે જાણે રસ્તે ચાલતાં તમામ માણસો એની પાસે આવી, એની સાથે હાથ મિલાવી, એને ધન્યવાદ દેતાં હતાં.
એક રેસ્ટોરાંમાં ખૂણાની કૅબીન ખોળીને એ બેઠો, ને એણે પોતાના ગજવામાં દબાઈ રહેલો કંચનનો કાગળ લગભગ પંદરમી વાર વાંચ્યો. એમાં છૂટક છૂટક આવું આવું લખ્યું હતું કે -
'બાપુજીની પરવાનગી મળ્યા પછી જ આ લખું છું. બાપુજીએ તમારા પાંચ છ સામટા કાગળો મને ગઈ કાલે જ આપ્યા. પોતે સ્પષ્ટ કર્યું કે પોતે જ એ કાગળને રાખી લીધા હતા. પોતે સાચા ધણીની ગોત કરતા હતા. કાગળનું ધણી પોતાને મળી ગયું છે એટલે હવે તો આપણ બેઉની વચ્ચે એકલો ટપાલી જ હશે એમ પોતે મને કહી દીધું. ટપાલનાં કવરો ટિકીટો પણ લાવી આપ્યાં છે.
'પણ પ્રથમ મને કહો તો ખરા વહાલા, કે તમે આટલી બધી શક્તિને અંદર ક્યાં સંઘરી રાખી હતી ? આટલી શક્તિ હતી તો મને વેળાસર કેમ ન બચાવી લીધી ? મને ભેખડાવા દીધી કેમ ? મને રસાતાળ મોકલી જ શાને ?
'બાપુજીને અને ભદ્રા ભાભીને જે ભ્રમણા તમે કરાવી છે, તે કોઇ દિવસ ભાંગશો તો નહિ ને ? નવું બાળ તમારૂં જ છે એવી એ ભ્રમણા તમે જો ન કરાવી ગયા હોત તો હું આજે ક્યાં હોત ? કદાચ જીવનને પાર હોત. હું આ જીવતા જગતમાં, ને જેટલું વાંચ્યું છે તે સાહિત્ય જગતમાં, વાર્તામાં, કવિતામાં, બધે ય તપાસી રહી છું, કે પોતાની બગડી ગયેલી પત્નીને માટે આવી રક્ષણકારી ભ્રમણા કોઇ પતિએ ઊભી કરી છે ખરી ?'