પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૦ : તુલસી-ક્યારો

'પણ એવો આગ્રહ શું કરાવો છો?'

કંચનના આ શબ્દોમાં સ્હેજ કંટાળો હતો. આગ્રહને એ દંભી અથવા બનાવટી બિનજરૂરિયાત માનતી હશે? આગ્રહ કરીને, ખેંચતાણ કરી કરીને ખવરાવવું, પીવરાવવું, આકર્ષણ વધારવું, ઉપકાર કરવો ને ઉપકાર લેવો, એમાં ભદ્રાનું મન મઝા માનતું. એણે કહ્યું, 'લે બાઈ, આગ્રહ ન કરું તો મને એકલીને ચા કેમ ભાવે?'

'મને લપ છપ નથી ગમતી ભાભીજી !'

'બસ, હવે તો મને ભાભીજી કહી દીધીને, એટલે તો મારા હાથની ચા પીવી જ પડશે. એકાદ રકાબી જ પીજોને ! હું ક્યાં થોડા ઝાઝાની વાત કરૂં છું ! લો, તમે તમારે બહાર મારા દેર પાસે બેસો. હું તમને તૈયાર કરીને બોલાવીશ.'

ભારી કાળજીથી એણે ચા તૈયાર કરી. એના હ્રદયમાં એક જ વાર બોલાયેલા 'ભાભીજી' શબ્દે આશા અને હિંમત રેડ્યાં.