પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેરાણી : ૨૯


અંદર બેસારી લીધાં ને પોતે આગલી બેઠક પર કંચનની બાજુમાં સંકોડાયા વગર બેસી ગયો, ત્યારે કંચનગૌરીએ મોટર હંકારી.

ભદ્રાને માટે તો આ આશ્ચર્યની ટોચ હતી. પોતાની દેરાણી આટલી પાવરધી થઈ ગઈ તેથી એને કોણ જાને કેમ પણ ઈર્ષ્યા કે દ્વેષ ઉપજવાને બદલે પોરસ અને વિસ્મય જ જન્મ્યાં. 'આઠ દસ મહિનામાં આટલું બધું શી રીતે શીખી લીધું હશે ! આવડત ને હોંશીઆરી હોયા વિના આટલું બધું થઈ શકે જ નહિને. ન જ થઈ શકે. આ હું ગમે તેટલી મરી મથું તોય મને રાંડીમુંડીને મોટર હાંકતાં કે'દિ યે આવડે!'

આ બધો ભદ્રાનો માનસિક વાર્તાલાપ હતો. ગામની બજાર ચીરીને મોટરને રમાડતી જતી કંચન અને વધુ ને વધુ અજબ લાગતી હતી.

બંગલામાં આવીને તૂર્ત જ ભદ્રાએ પોતાની ટ્રંક રસોડાની પાસેની એક ઓરડીમાં મૂકી દીધી. ને પોતે કંઈક શરમીંદુ કૃત્ય કરતી હોય તેવી ઉતાવળથી એણે ટાઢે પાણીએ નહાઈ લીધું. નહાઈ કરીને એ રસોડામાં પેઠી. એણે રાંધવું શરૂ કરી દીધું.

કંચનગૌરીએ આવીને એક આંટો માર્યો. એણે પૂછ્યું 'તમે ઉતાવળ શા માટે કરો છો ? તમારે માટે ચહા બનાવીને પીધી કે નહિ?'

'હવે અત્યારે કાંઈ નહિ બાપુ ! સાંજ પડી ગઈ છે.'

'ના એમ નહિ ચાલે. પહેલી ચા કરી લો.'

'તમે મારી જોડે પીવો તો બે કપ બનાવું. લો, છે કબૂલ?'

આખા દિ'નની ભૂખી ભદ્રાને ચહા પીવાની તલબ તો ઘણી સારી પેઠે લાગેલી, પણ એ ઘરની અંદર ચોર તરીકે કે નોકર તરીકે ચહા પીવા નહોતી ઇચ્છતી.