લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને કંચન પણ જે કહેતી હતી તે ય ભદ્રાએ પગ ઊંચા કરીને સાંભળ્યું: 'હું ય તે તમારે જ વિશ્વાસે આંહી ફસાઇ પડીને ! નહિતર...'

શાની વાત? શામાં ફસાઇ પડવાની? કોના વિશ્વાસે ? કોણ જાણે શી યે વાત થતી હશે. એમ વિચારીને એ ફક્ત અંગૂઠા ઉપર ચાલતી ચાલતી બેઠકખાનાથી દૂર ખસી ગઈ. ને છેકે રસોડાને બારણે ઊભી ઊભી બોલવા લાગી : 'કંચનગૌરી ! ચાલજો. ચા થઈ ગઈ છે.'

'શું છે? નથી જવું. કોણ બોલાવે છે?' બેઠકખાનામાં આ શબ્દો પણ, પોતાના દિયરનો અવાજ નહિ પણ પેલો સત્તાવાહી અવાજ જ ઉચ્ચરતો હતો એમ ભદ્રાને ભાસી ગયું.

કંચનના ભાઈ કે બાપા તો છે નહિ. ત્યારે એને કોઈ પણ વાતમાં 'નથી જવું' કહેવાનો હક્ક તો મારા દિયરને હોય ને કાં તો મારા સસરાને. ત્યારે આ ત્રીજું માણસ કોણ હશે?

ગામડાંની રાંડીરાંડો સાંભળવે બહુ સરવી હોય છે. ભદ્રાએ કાન માંડી જ રાખ્યા હતા. કંચન જાણે કે એ સત્તાવાહી અવાજને કાલાવાલા કરી સમજાવતી હતી: 'હમણાં જ જઈને ચાલી આવું. મારાં જેઠાણી આવેલ છે. એકલાં ચા પીતાં નથી. નહિ જાઉં તો પાછી હજાર વાતો આ નામદારના પિતાજી પાસે પહોંચશે.'

'આ નામદાર' શબ્દથી સૂચવાએલ તો પોતાના દેર જ હશે ને?

ભદ્રાને તો અમદાવાદની આ ગુજરાતી ભાષા જ વિસ્મયકારી ભાસવા લાગી.

'મેં ક્યારેય કશું કાન પર લીધું છે? પૂછો તમે તમારે, આ રહી કંચન.' એ સુર તો દિયરના જ પરખાયા. દિયર પણ શું પેલા ત્રીજા માણસથી કશી બીક રાખી રહ્યા હતા?