માણસ પણ લાગે છે કોઈક જબરો !
'પણ તને કોણ લાકડી લઇને મારવા આવેલ છે, વીરસુત ! તે તું આટલો બધો નિર્દોષ બનવા પ્રયત્ન કરી રહેલ છે?'
એ અવાજ પેલા કોઈ સત્તાવાહીનો ! તલવારની ધાર ફરતી હોય તેવો અવાજ. ભદ્રાનું હૃદય બોલ્યું -
'સારી વાત માડી ! દેરદેરાણીને માથે પારકા પ્રદેશમાં કોકનો અંકુશ તો જોવે જ ના? આવો કોઇક ખખડાવનાર હોય તેજ સારું.'
આવી રીતે મન વાળતી ભદ્રા, કંચનના પગની ચંપલો બેઠકખાનામાંથી ઉપડ્યાનો ખખડાટ થયો કે તત્કાળ પાછી રસોડામાં પેસી ગઈ. એના મનને એણે ફરીવાર ટપાર્યું : 'ના રે બૈ ! રંડવાળ્ય બૈરૂં કોકની વાતો સાંભળવા ઊભું રે' એમાં કાંઈ આબરૂ ? ભાળશે તો કહેશે, રાંડી કોણ જાણે ક્યારથી ઊભી ઊભી સાંભળતી હશે !'
'લાવોને બાપુ ! લાવો હવે, છૂટકો પતાવો.' એવા બોલ બોલતી કંચન મોં પર થોડો આદર ઉલ્લાસને હળવોફૂલ ભાવ બતાવવા મથતી મથતી જેઠાણી પાસે આવીને ઊભી ઊભી જ ચહાનો પ્યાલો મોંયે લગાડવા ગઈ.
'બેશીને પીઓ ને! પેટમાં આંકડી પડે બૈ ! લો આ પાટલો દઉં.'
કંચને ડોકું હલાવીને ના કહી.
'નૈ?' ભદ્રાએ ઓશિયાળું મોં કર્યું.
'મોડું થશે.'
'શાનું?'