પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૪ :તુલસી-ક્યારો


'હાં લો, તમને કહેતાં તો હું ભૂલી ગઈ. રસોઈ તમારા એકના માટે જ કરજો. અમે બેઉ તો બહાર જમવાનાં છીએ.'

'ભલે હાં ! જજોને બાપુ, ખુશીથી જજો. - મારી ચંત્યામાત્ર કરશો મા. મારોં તો આ ઘર છે. મારી સાટુ થઈને કોઈનાં રાંધ્યા રઝળાવશો મા બૈ !'

'આહાહા !' ચહાને પહેલે જ ઘૂંટડે કંચને ઉદ્ગાર કાઢ્યો.

'કેમ? ખરાબ થઇ છે?'

'અરે આ તો બહુ સરસ. વધુ છે?'

'આ મારો પવાલો ભર્યો છે ને ! લઈ જાવ, મારા દેરને પાવી છે ને? અણ અરેરે મુઈ હું તો ! કોઈક મેમાન બેઠા છે ને? હવે? શું થાય ? જરીક રહો, હું નવી કરી આપું. અબસાત. વાર નૈ લાગે.'

'ના, એમને નહિ, મહેમાનને જ દેવી છે. એમને તો ચાલશે. કાલે બનાવી દેજો. એ તો ઘેર જ છે ને?'

કંચન જેઠાણીનો કપ લઈને ગઈ બેઠકખાનામાં, ને ત્યાં પહોંચીને એણે હર્ષનો લલકાર કર્યો, 'ભાસ્કરભાઇ, તમારે તો આ ચહા પીવી જ પડશે. છો તમે પાંચ વાર પી ચૂક્યા હો. આ ચહા પીધા વગર છૂટકો જ નથી.'

'પીઉં રે પીઉં, હું ક્યાં ના કહું છું ? તને ક્યારે ના કહી છે?'

'ઘણી સરસ છે.'

'દેવો હોય તો કદડો ય કાં નથી દેતી? પણ આ નામદારને માટે?' ભાસ્કર નામના એ સત્તાવાહી પુરૂષે વીરસુત વિષે પૂછ્યું.