લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૫૨ : તુલસી-ક્યારો


બધા શબ્દો પડ્યા તે બહુ ખોટું થયું હતું. જે માણસો બોલી રહ્યાં હતાં તેની હીનતાનો તો ભદ્રાએ વિચાર જ છોડી દીધો હતો. સાંભળનાર તરીકે પોતાની જ શરમભરી સ્થિતિ તેને સાલી રહી. પોતે કંચનનાં હીબકાં સાંભળ્યાં, વીરસુતની આહ, નિઃશ્વાસ, અને 'શું કરૂં જીભ કરડી મરૂં, ઝેર પીને સૂઈ જાઉં !' એવા વીરસુતના શબ્દો સાંભળ્યા. ભદ્રા ભયભીત બની ગઇ. ઘરની આખી ઇમારત ઓગળતી, નીચે ધસતી આવતી, અજગરની માફક સૌને ગળી જતી લાગી. બિછાનું ભમરડાની પેઠે ફરતું હતું. પૃથ્વીનું પડ જાણે ઊંધું વળતું હતું.

આ બેમાંથી કોઈક પોતાના મન પરથી કાબૂ ખોઇ બેસી કદાચ કાંઈનું કાંઈ કરી બેસશે તો ! એ બીકે ભદ્રા મોડી રાત સુધી જાગ્રતાવસ્થામાં જ પડી રહી. ને જાગ્રત હોવાં છતાં એને સૂતેલી હોવાનો ડોળ ચાલુ રાખવો પડ્યો. કારણકે પોતાની લડાઈ કોઈ ત્રીજાએ સાંભળી છે એવું આ બેઉને જો લાગી જશે તો સવારે એ પાછાં મોઢું શી રીતે દેખાડી શકશે? આ હતી ભદ્રાની એક માત્ર ચિંતા.

મોડે મોડે ત્રણેક વાગે જ્યારે બે પરિણિત શિક્ષિતોનું તપ્ત શયનગાર ટાઢું પડી ગયું, ને બેઉ જણાં ઉંઘી ગયાં છે એવી ભદ્રાને ખાત્રી થઈ ત્યારે જ ભદ્રાએ આંખો મીંચી.