એ જ એની સત્તા હતી ને એ જ એનું શાસન હતું. સંખ્યાબંધ યુવાનો એની અદબ કરતા, એનો ઠપકો સાંભળી રહેતા ને પોતાના સાંસારિક જીવનમાં એની ડખલ થતી તે સામે હરફ પણ ન ઉચ્ચારી શકતા તેવા પણ કેટલાક હતા.
વિશેષ પણ એક કારણ હતું.
યુવકો અને યુવતીઓ ઉપર ભાસ્કરની મજબૂત સત્તાનું સૌથી મોટું કારણ આ હતું : કુંવારાઓને એ પરણાવી આપતો. માબાપોએ કરી આપેલાં જૂનાં વેવિશાળોમાંથી એ જુવાનોને બહાર કઢાવી શકતો અને જૂના વખતનાં કજોડાં લગ્નથી ગળોગળ આવી રહેલા ત્રાસ ત્રાસ પોકારી ચૂકેલા ભાઇઓને એ વકીલો પાસે લઈ જઈ નવાં સંસ્કારી લગ્નો કરવાની કાયદેસર સલામતીઓ સૂઝાડતો.
સ્ત્રીઓની તેમ જ પુરુષ વિદ્યાર્થીઓનાં છાત્રાલયોમાં એ એટલા ખાતર જ જતો આવતો. કઈ વ્યક્તિ કયા ગુપ્ત સિતમો ભોગવી રહેલ છે તેની જાણ એને જલદી આવી જતી. છૂપાં આંસુઓનાં પાતાળ-તળ પારખનારો એ પાણીકળો હતો.
'તારા દિલમાં કશુંક મોટું દુઃખ છે. તું ભલેને છુપાવી રાખે.' એટલા એના બોલ સાંભળ્યા પછી અને એ બોલતી વેળાના એના મૃદુમધુર ને સહાનુભૂતિભરપૂર મુખભાવ નિહાળ્યા પછી એની પાસે અંતર ન ખોલી નાખે તેવાં જડ યુવક કે યુવતી કોઈ ન જડે. પોપટની પેઠે પ્રત્યેક જણ પોતાની ગુપ્ત મનોવેદના ભાસ્કરભાઈ પાસે ધરી દેતાં; ને ભાસ્કર એ બધું સાંભળ્યા પછી જરીકે ગદ્ગદિત નહોતો બની જતો; કહેનારની દયા ખાવાના શબ્દો બોલવા નહોતો માંડતો, પણ દિલસોજી ભરપૂર નેત્રે પોતાની શુભ્ર દંતાવળ દેખાડતું સહેજ હાસ્ય કરીને કહેતો, 'બસ, એમાં રડવાનું શું છે? રસ્તો જ કાઢવો જોઇએ.'