પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરની શક્તિ : ૫૭


નબળો હમેશાં સ્ત્રીનો પક્ષ ગણીને ભાસ્કર તે પ્રત્યેકની કાયમ સાચવણ રાખતો. આ લગ્નો નવયુગી ગણાતાં, ને લગ્ન કરનાર છોકરીઓ પણ ઘણે ભાગે રળતી કમાતી થઈ ગયેલી જ હતી, છતાં તેના સ્ત્રીધનની રકમ તો ભાસ્કર છોકરાઓ પાસેથી છોડાવતો ને બેન્કમાં મુકાવતો. આવાં લગ્નો બંડખોર ને ક્રાંતિકારી હોવાથી ઘણે ભાગે તો છોકરો છોકરી બેઉનાં માવતરો એમાં ભાગ લેવાં આવતાં નહોતાં, તેથી ભાસ્કરની જવાબદારી વધતી હતી. છોકરાઓ પોતાની પત્નીઓને એમની ઇચ્છા વિરૂદ્ધ પાછાં મા બાપને ઘેર ન મોકલી આપે, અથવા છોકરાઓ પોતાનાં ભાઈબહેનો વગેરે સગાંને તેડાવી પત્નીઓ પર એ સૌની રસોઈ ઇત્યાદિ સરભરાનો બોજો ન ખડકે, તેની ભાસ્કર સતત તકેદારી રાખતો.

પરિણામે પતિ-પત્નીઓ વચ્ચે અણબનાવ, અબોલા કે ચણભણ થતી ત્યારે (બેશક ક્રાંતિઅકરી લગ્નમાં વિશેષ થાય જ.) બેઉનું ફરિયાદ કરવા ઠેકાણું ભાસ્કરભાઈ હતા; બેઉનો ન્યાય તોળનાર પણ ભાસ્કરભાઈ હતા. બેઉને સજા ભોગવાવનાર જેલર પણ ભાસ્કરભાઈ હતા.

આ બધું કરવામાં કેટલાક ઉપલક દૃષ્ટિથી જોનારાઓને વહેમ આવતો કે ભાસ્કર મેલો હતો, દંભી ને ઢોંગી હતો, પક્કો ને પ્રપંચી હતો. પણ એ ખરૂં નહોતું. ભાસ્કર પૂરેપૂરો પ્રમાણિક અને સહૃદયી હતો.

ભાસ્કરને અમદાવાદમાં આવ્યે છએક વર્ષો થયાં હતાં. પણ એનું ત્યાં કોઇ સગું નહોતું. એ ક્યાંઇક પરપ્રાંતોમાં રહીને આવ્યો હતો. વળી ધૂમકેતુ શી પ્રકૃતિનો હોઇ, વારંવાર બહાર ઊપડી જતો, મહિનાઓ સુધી એનો પત્તો ન લાગતો. એના કુટુંબસંસાર વિષેનો ભેદ કોઇ જાણતું નહિ; કોઇ પૂછતું પણ નહિ.