ઘોડેસવારી શીખવી હોય તો શીખજે, તારે પુરૂષ-પોશાક પહેરવો હોય તો મને શો વાંધો છે, તારા જીવનના મિત્રો, સ્ત્રી હોય કે પુરૂષો, જે હો તે હો, તેની સાથે તારાં સંબંધો તું તારે જેમ ઠીક પડે તેમ રાખી શકશે, હું કદી પણ વ્હેમ નહિ લાવું, ઇર્ષ્યા નહિ કરૂં; આવા બણગાં આજે ક્યાંય અલોપ થઈ ગયાં છે. ને એ તો વાતવાતમાં વહેમાય છે. હું ક્યાં બોલું છું ને કોની સાથે કેમ બોલું છું એ તો ઠીક પણ સ્નેહીની સામે ક્યા પ્રકારને નજરે જોઉં છું તેનો પણ એ તો તુર્ત હિસાબ માગે છે.'
'તો પછી તું પણ સામે એવા જ સવાલો કાં નથી પૂછતી?'
'પૂછું છું જ તો.'
'બસ. એના માથાના થઈને રહેવું. થોડા નફ્ફટ થયા વગર કંઈ સંસાર નહિ ચાલે. તમારે સ્ત્રીઓએ શક્તિ બતાવવી જ જોઈએ.'
એમ કહેતો કહેતો ભાસ્કર પોતાનાં લમણાં દબાવ દબાવ કરતો હતો.
'કેમ એમ કરો છો?' કંચને પૂછ્યું.
'માથું દુઃખે છે. રાતે ઊંઘ સારી ન આવી, ને સવારે જરા વહેલો ઊઠી બહાર ગયો એટલે શરદી લાગી ગઈ છે.'
'તમે બેસો, ને કાં સુવો, લો હું કપાળે બામ અને માથે તેલ ઘસી દઉં.'
પોતાની સંબંધી સ્ત્રીઓ આગળ આવું કામ કરાવવાનો ભાસ્કરને કશો સંકોચ નહોતો તેમ ખાસ શોખ પણ નહોતો. એ સોફા પર બેઠો, ને કંચન એનાં લમણાં ને લલાટ પર માલીસ કરવા લાગી.