પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નિર્વિકાર ! : ૭૫


એકાએક વિચાર-ત્રાગડો તૂટી ગયો. અધખુલ્લું બારણું ઊઘડ્યું ને વીરસુત દાખલ થયો. હાથમાં રેકેટ હતું, અને પગમાં ટેનીસ-જૂતા હતા તેથી જ દાદર પર અવાજ થયો નહોતો.

વીરસુતને જોતાં ભાસ્કરે તો જેમની તેમ સ્થિતિમાં પડ્યાં પડ્યાં જરીકે હાલ્યા ચાલ્યા વગર આંખો માંડીને કહ્યું 'આવો.' એણે તો પોતાના હાથ કંચનનાં ઘૂંટણ ઉપર ઢળેલો હતો તે પણ હટાવ્યો નહિ.

એ સમતા કંચનમાં નહોતી. એણે સફાળા જ ભાસ્કરનું માથું નીચે સેરવી નાખ્યું. ભાસ્કરનાં લમણાં અને માથું ચોળવાની એની છૂટ સંકોચાઈ ગઈ. એણે દાબવું બંધ કર્યું નહિ છતાં પોતે કશું ક અનુચિત કામ કરી રહી હતી એવો ક્ષોભ અનુભવ્યો. એના હાથ ધીમા પડ્યા.

વીરસુત તો ખમચાઇ જ ગયો. એને પાછા દાદર ઊતરી જવા દિલ થયું. પોતે આવ્યો તે ન આવ્યો થઇ શકત તો રાજી થાત. એ ભાસ્કરના 'આવો' શબ્દનો ઉત્તર ન આપી શક્યો. ન તો એ ખુરશી પર બેસી શક્યો. બરી પાસે જઇને એ ઊભો રહ્યો. બારી વાટે બહાર જોઈ રહ્યો. જોતાં જોતાં એ વિચારતો હતો : મારૂં માથું કે મારૂં કપાળ તો આણે કદી જ દાબ્યું કે ચોળ્યું નથી. કહ્યા કરે કે હજુ ય પુરુષોને અમારી પાસેથી ગુલામી જ ખપે છે. કાં તો કહે કે મારા હાથની ગરમી તમને લાગી જશે !

ત્યારે આંહી આ સ્વસ્થતા ને આ સેવાપરાયણતા કેમ ?

કદાચ એ શરીરસેવા જ હશે. નર્સો ડોક્ટરો શું નથી કરતા?

પણ તો મારાથી ચોરી કેમ રાખી ? મને દેખીને જ કાં માથું હેઠે ઉતાર્યું ? એ ચોરી નહિ ? નર્સો ડોક્ટરોના જેવી સ્વાભાવિકતા એમાં ક્યાં રહી?