લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૮૬ તુલસી-ક્યારો


દરમિયાન દેવુ એ પાછલી પરશાળના નિવાસી આંધળા મામાને (પિતાના મામાને) દોરતો બહાર રવાના થઈ ગયો હતો. બેઉ જણા સ્ટેશન તરફ જતા હતા. પોતાને દોરવા પ્રયત્ન કરતા દેવુને મામા દૂર ગયા પછી કહેવા લાગ્યા, 'તું મારી ફિકર ન કર. હું ક્યાંય નહિ અથડાઇ પડું.'

'તમને દેખાતું નથી ને!'

'દેખવું હોય ત્યારે બધું જ દેખાય - જો પરોવવાં હોયને, તો મોતી યે પરોવી શકું, એવો મારો અંધાપો છે હો દેવુ ! એ પણ અંધાપાનો એક પ્રકાર છે હો દેવુ ! હે-હે-હે-હે-' એમ હસતો હસતો એ 'અંધ' એક નાના પથ્થરને પણ પોતાની ઠેશે ન આવવા દેતો સડેડાટ ચાલ્યે જતો હતો.

'અંધાપાનો એ પ્રકાર' દેવુને તો સાચો લાગ્યો.

'અરે પણ ટિકિટના પૈસા!' દેવુએ એકાએક સ્ટેશને પહોંચી ધ્રાશકો અનુભવ્યો.

'ફિકર કર મા ભાઈ, તું તારે આ લે' એમ કહી એ 'અંધ' મામાએ પોતાની કમ્મરે હાથ નાખ્યો. બહાર આવેલ એ હાથમાં સફેદ ચાંદીના પતીકાં હતાં.

સ્ટેશનેથી દેવુએ દાદાને સંદેશો મોકલ્યો : અમે અમદાવાદ જઇએ છીએ. ફિકર કરશો નહિ. કપડાં મેં લીધાં નથી, ભાભુને કહીશ, કરાવી આપશે.