લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૮૮ : તુલસી-ક્યારો


રેલવે-નોકરના એટલા જ કહેવા સામે આંધળા મામાજીએ આખો ડબો ગજાવ્યો. એણે ભેંકડા તાણી તાણીને રડવા માંડ્યું. તેના આક્રંદે આખા ડબાની અનુકમ્પા જગાવી-

'મારા આંધળાના પૈસા ખાઈ ગયો ! હું હવે ક્યાં જઈશ? હું ગરીબ બામણ છું. બેય આંખે અધારૂં ઘોર છે. મેં પંદર દા'ડા સુધી ભીખી ભીખીને પૈસો પૈસો ભેગો કર્યો હતો. આ મા વગરનો નાનો છોકરો.... હે પ્રભુ ! જેણે મારા પૈસા ખાધા તેનું ભલું કરજે ! હું ગરીબ બરામણ ! હું શરાપ દેતો નથી. એનું સારૂં થજો. મારો જુવાન દીકરો અમદાવાદ મરણપથારીએ છે. હવે હું શું કરીશ ? ક્યાં જઈશ ?

એ વિલાપથી તો દેવુ પણ રડવા જેવો થઈ ગયો. મામાજીને આવો વિલાપ કરી દયા જગાડવાની આવડત હતી તે તો દેવુ પણ જાણતો હતો. ઘરમાં કોઈ કોઈ આવા પ્રસંગો બની જતા, ત્યારે મામજી ગળું અને આંખો વહેતાં મૂકતા. એ વિલાપ કરવાની કળાએ જ મામાજીને માટે દેવુના ઘરમાં કાયમી સ્થાન કરાવેલું. એ જ વિલાપે આ મુસાફરોની અમદાવાદ સુધીની મફતીઆ મુસાફરી મોકળી કરી આપી.

'હોશિયારીથી કામ લેવું જોઈએ દેવુ ! અ તો પારકો પરદેશ કહેવાય.' મામાજીએ દેવુના ડંખતા હ્રદયને દિલાસો દીધો.

દેવુ મામાજીની આંખો સામે તાકી રહેતો. એ આંખો અધબિડાયેલી જ રહી હતી. છતાં અમદાવાદની બજારમાં જાણે મામાજીને કપાળે નવી આંખો ઊઘડી હતી.

'છતે અંધાપે હું તારી સાથે શા માટે આવ્યો છું દેવુ, તું જાણે છે?' મામાજીએ વાત ચલાવી : 'તારા બાપને તું એક જ બચાવી શકશે એટલા માટે. અમે કોઇ આમાંથી રસ્તો નથી કાઢી શકવાના.'