પછી માએ ત્રીજું વડું મુક્યું. પણ ત્યાં તો પાછું ‘છમ, છમ, છમ.’
‘છમ છમ’ સાંભળીને એક છોડી જાગી ને કહે : “મા છમ! મને છમ વડું.”
મા કહે : “લે વળી તું ક્યાં જાગી ? લે આ વડું. ખાઈને સૂઈ જા. જોજે બીજીને જગાડતી નહિ.”
ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો.
બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ, છમ, છમ’ બોલ્યું.
‘છમ, છમ’ સાંભળીને ચોથી છોડી જાગી ને એને ય વડું આપીને માએ સવારી દીધી.
પછી તો પાંચમી છોડી જાગીને પાંચમું વડું એને આપવું પડ્યું; પછી છઠ્ઠી જાગી ને છઠ્ઠું વડું એને આપવું પડ્યું ને છેવટે સાતમું વડું સાતમી છોડીએ ખાધું.
ત્યાં તો લોટ થઈ રહ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં, ને પાણી પીને સૂઈ રહ્યાં.
અલબત્ત બંને વાર્તાના વસ્તુમાં લગાર ફરક છે, પરંતુ જોઈ શકાશે કે વાચન યોગ્ય વાર્તા અને કથન યોગ્ય વાર્તાની દિશાઓ કેવા પ્રકારની છે.
વાર્તાને કથન યોગ્ય બનાવવા માટે જેમ કથનશૈલીની જરૂરિયાત છે તેમ જ તેમાં બીજી કેટલીએક બાબતોનો પણ વિચાર કરવો પડે છે. આ બીજી બાબતો કથનશૈલીને મદદકર્તા છે એમાં તો શક જ નહિ. હવે આ બીજી બાબતો કઈ કઈ છે, અને તે કહેવા યોગ્ય વાર્તામાં કેવી રીતે લાવવી તે તપાસીએ.
પ્રથમ દરેક વાર્તાને આપણે બારીકીથી તપાસવી જોઈએ.